તારક મહેતા કા ....આખરે પોપટલાલ વરરાજા બની ગયા : દુલહનનું નામ જાણીને ગોકુલધામવાસીઓ ચકરાવે ચડ્યા
'બધી તૈયારીઓ થઈ ગઈ છે, કન્યા તૈયાર છે, વરરાજા તૈયાર છે, બારાતી તૈયાર છે અને મંડપ પણ તૈયાર છે.

મુંબઈ :ટેલિવિઝનનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં ચાલી રહેલો ભૂતનીનો ટ્રેક દર્શકોને ખૂબ ગમી રહ્યો છે અને તેના કારણે શોએ TRP ચાર્ટમાં પ્રથમ સ્થાને કબજો પણ જમાવી લીધો છે.
હવે શોમાં એક એવો ટ્વિસ્ટ આવ્યો છે જેને જાણીને ચાહકો પણ ચોંકી ગયા છે. 17 વર્ષથી લગ્નની રાહ જોઈ રહેલા પોપટલાલ આખરે વરરાજા બનોય છે. પરંતુ ટ્વિસ્ટ એ છે કે પોપટલાલે કોઈ મહિલા સાથે નહીં, પણ ભૂતની ચકોરી સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર પોપટલાલના લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ આશ્ચર્યમાં છે અને વિચારી રહ્યા છે કે, આ સ્વપ્ન છે કે વાસ્તવિકતા?
હાલમાં શોમાં ચાલી રહેલા હોરર ટ્રેકમાં બતાવવામાં આવ્યું છે કે, ગોકુલધામના સભ્યો રજાઓ માણવા માટે એક હવેલીમાં પહોંચે છે, જ્યાં તેમનો સામનો થાય છે રહસ્યમય ચકોરી સાથે, જે એક ભૂતની છે. પોપટલાલ ચકોરીને સામાન્ય યુવતી સમજીને તેના પ્રેમમાં પડી જાય છે અને તેને પ્રપોઝ પણ કરી દે છે. પરંતુ પછી ભીડેને આ વાતની જાણ થઈ જાય છે કે ચકોરી કોઈ સામાન્ય છોકરી નથી, પણ ભયાનક ભૂતની છે. જ્યારે આ સત્ય પોપટલાલને સમજાય છે, ત્યારે તે ચકોરીના જાળમાં પૂરેપૂરો ફસાઈ ચૂક્યો હોય છે, અને ત્યાંથી તે કઈ રીતે બહાર નીકળશે તે હવે રસપ્રદ બન્યું છે.
ભૂતની ચકોરીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સ્વાતિ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી રી-શેર કરી છે, જેમાં તે પોપટલાલ સાથે દુલ્હનના લુકમાં નજરે પડી રહી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા' ગીત વાગી રહ્યું છે. સ્વાતિ આ વીડિયોમાં કહેતી સાંભળવામાં આવે છે, 'બધી તૈયારીઓ થઈ ગઈ છે, કન્યા તૈયાર છે, વરરાજા તૈયાર છે, બારાતી તૈયાર છે અને મંડપ પણ તૈયાર છે.'
હવે ફેન્સના મનમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે, શું ખરેખર પોપટલાલના લગ્ન છે? કે પછી આ બધું માત્ર એક ડરાવનુ સપનું છે? આ પ્રશ્નોના જવાબ શોના આગામી એપિસોડમાં મળશે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ભૂતની ચકોરીના રોલમાં દેખાઈ રહેલી સ્વાતિ શર્માએ પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક ફેન્સ તો કહી રહ્યા છે કે સ્વાતિ, બબીતાજી કરતાં પણ વધારે સ્ટાઈલિશ અને આકર્ષક લાગી રહી છે. ફેન્સ તેના લુક અને પર્સનાલિટીની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે.
