13 વર્ષ બાદ અજય દેવગણ ' સન ઓફ સરદાર 2 ' લઈને આવ્યા પણ ચાહકોને આંચકો : ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ
2012માં 30 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ સન ઓફ સરદારે 161.48 કરોડની કમાણી કરી હતી

મુંબઈ: 2012માં આવેલી અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે હવે 13 વર્ષ બાદ અજય દેવગન ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ લઈને આવ્યા છે. ‘સન ઓફ સરદાર’ ફિલ્મના ચાહકો ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલવામાં આવી છે.
‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ અજય દેવગનના પ્રોડક્શન હાઉસ અને જીઓ સ્ટુડિયોસ હેઠળ બનેલી ફિલ્મ છે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
જીઓ સ્ટુડિયોસ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, “જસ્સી પાજી અને ટોલી તમને 1 ઓગસ્ટ 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં જોવા મળશે.” આ સાથે ફિલ્મની નવી રિલીઝ ડેટનું પોસ્ટર પણ મુકવામાં આવ્યું છે.
‘સન ઓફ સરદાર 2’ ફિલ્મની રિલીઝ ડેટ બદલવાને લઈને ઘણી અટકળો શરૂ થઈ છે. કેટલાક લોકો 18 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયારા’ ફિલ્મને પણ રિલીઝ ડેટ બદલવાનું કારણ ગણાવી રહ્યા છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અહાન પાંડે અને અનિતા પડ્ડાની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મે પહેલા જ દિવસે 20 કરોડની કમાણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, 2012માં 30 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ સન ઓફ સરદારે 161.48 કરોડની કમાણી કરી હતી. મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ 150 કરોડમાં તૈયાર કરવામાં આવી છે.
‘સન ઓફ સરદાર 2’ ફિલ્મમાં અજય દેવગન સાથે મૃણાલ ઠાકુર, કુબ્રા સૈત, નીરુ બાજવા, સંજય મિશ્રા, રવિ કિશન, મુકુલ દેવ, વિંદુ દારાસિંહ જેવા ઘણા કલાકારો જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મની ટીમ ધ ગ્રેટ ઇન્ડિયન કપીલ શોમાં પણ પહોંચી હતી. જેમાં તેમણે કપીલ શર્મા, સુનિલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા સહિતના કાલાકારો સાથે મજાક – મસ્તી કરી હતી.
