ધર્મેન્દ્રની પૌત્રી પ્રેરણા ગિલ: ગ્લેમરથી દૂર, પણ પ્રતિભા અને સાદગીથી જીતી રહી છે દિલ
દેઓલ પરિવારના અન્ય સભ્યો સિનેમા અને મનોરંજન જગતમાં સફળતા મેળવી રહ્યા છે, ત્યારે પ્રેરણાએ પોતાની પ્રતિભાથી સાહિત્ય ક્ષેત્રે મજબૂત સ્થાન બનાવ્યું છે.

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તેમની પૌત્રી પ્રેરણા ગિલએ બોલિવૂડની ચમકદમકથી દૂર રહીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. પ્રેરણા, ધર્મેન્દ્રની બીજી પુત્રી વિજયા ગિલની પુત્રી છે, જે સુંદરતામાં કોઈપણ અભિનેત્રીથી કમ નથી, છતાં તેણે ફિલ્મી દુનિયાને બદલે લેખન અને સાહિત્યનો માર્ગ પસંદ કર્યો છે.
પ્રતિભાશાળી લેખક અને સંપાદક
પ્રેરણા ગિલ એક જાણીતી લેખક અને સંપાદક છે. અત્યાર સુધીમાં, તેણે ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેનું સૌથી તાજેતરનું કાર્ય, "મધ્યમ" નામનો કાવ્યસંગ્રહ, જાન્યુઆરી 2025માં પ્રકાશિત થયો હતો. દેઓલ પરિવારના અન્ય સભ્યો જ્યારે સિનેમા અને મનોરંજન જગતમાં સફળતા મેળવી રહ્યા છે, ત્યારે પ્રેરણાએ પોતાની પ્રતિભાથી સાહિત્ય ક્ષેત્રે એક મજબૂત સ્થાન બનાવ્યું છે.
પરિવાર સાથે મજબૂત સંબંધ
પ્રેરણા તેના કાકા સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલ સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. તે તેના પિતરાઈ ભાઈ કરણ દેઓલની પણ ખૂબ નજીક છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર પરિવાર સાથેના ફોટા શેર કરતી રહે છે. સની અને બોબી પણ તેની પોસ્ટ્સ અને કારકિર્દીને સમર્થન આપે છે, જે દર્શાવે છે કે દેઓલ પરિવારમાં કેટલો પ્રેમ અને એકતા છે. કરણ દેઓલના લગ્ન સમારોહમાં પણ પ્રેરણાએ પોતાની સુંદરતા અને સાદગીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
અંગત જીવન
પ્રેરણા ગિલે 2017માં દિલ્હીના જાણીતા વકીલ પુલકિત દેવદા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતી દિલ્હીમાં રહે છે. તે ઘણીવાર તેના પતિ સાથેના ફોટા અને પરિવાર સાથે વિતાવેલી ખુશહાલ પળો શેર કરતી રહે છે. પ્રેરણાએ સ્ટાર કિડ હોવા છતાં પોતાની એક અલગ અને ગૌરવપૂર્ણ ઓળખ બનાવી છે, જે ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે.
