‘તારક મહેતા...'ની ગોકુલધામ સોસાયટી ખાતે જોવા મળશે રાજસ્થાની પરિવાર
૧૭ વર્ષ પછી નવો પરિવાર જોડાશે

મુંબઇ, તા.૧૪: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હવે તેની ૧૭મી વર્ષગાંઠ પર વાર્તામાં એક નવો વળાંક લાવવા જઈ રહ્યો છે. ૧૭ વર્ષમાં પહેલીવાર, એક નવો પરિવાર ગોકુલધામ સોસાયટીમાં જોડાઈ રહ્યો છે. હા, એક રાજસ્થાની પરિવાર શોમાં પ્રવેશવા જઈ રહ્યો છે.
ETimes ના અહેવાલ મુજબ ચાર સભ્યોનો એક રાજસ્થાની પરિવાર હશે. આ પરિવારમાં પતિ, પત્ની અને બે બાળકો હશે જે ઊંટ પર સવારી કરીને ગોકુલધામના દરવાજા પહોંચશે. ઊંટો પર રંગબેરંગી સજાવટ અને પરંપરાગત પોશાકો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નવી એન્ટ્રી વાર્તામાં નવીનતા લાવશે અને રાજસ્થાની સંસ્કળતિ પણ દર્શાવવામાં આવશે.
નિર્માતા અસિત કુમાર મોદીએ શોની ૧૭મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન આ નવી એન્ટ્રીનો સંકેત આપ્યો હતો. હવે આ નવી એન્ટ્રીનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ નવો પરિવાર જેઠાલાલ, ભીડે, પોપટલાલ જેવા લોકપ્રિય પાત્રો સાથે જોડાઈને ગોકુલધામને કેવી રીતે સંભાળે છે.(૨૩.૪)
