રાજ કુન્દ્રા, હરભજન સિંહ અને ગીતા બસરા સુવર્ણ મંદિરના દર્શને: નવી પંજાબી ફિલ્મ 'મેહર'ની શરૂઆત પહેલાં આશીર્વાદ લીધા!
'મેહર' ફિલ્મનું દિગ્દર્શન રાકેશ મહેતા કરી રહ્યા છે અને તેનું શૂટિંગ મોહાલીમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક્શન, કોમેડી અને ડ્રામાનું મિશ્રણ હશે તેમ રાજ કુન્દ્રાએ જણાવ્યું

અમૃતસર, પંજાબ : પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં નવી શરૂઆત કરવા જઈ રહેલાં જાણીતાં ચહેરાઓ આજે પવિત્ર સુવર્ણ મંદિર ના દર્શને પહોંચ્યાં હતાં. શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા, ક્રિકેટર હરભજન સિંહ અને તેમની પત્ની, અભિનેત્રી ગીતા બસરા તેમજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા એ તેમની આગામી પંજાબી ફિલ્મ 'મેહર' માટે વાહેગુરુના આશીર્વાદ લીધા.
ફિલ્મ 'મેહર' સાથે રાજ કુન્દ્રા પંજાબી સિનેમામાં અભિનેતા તરીકે પ્રવેશ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ 'કરમજીત સિંહ' નામનું પાત્ર ભજવી રહ્યા છે. આ પ્રસંગે રાજે જણાવ્યું કે કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં વાહેગુરુના આશીર્વાદ લેવા જરૂરી છે.
દસ વર્ષ પછી ગીતા બસરાની વાપસી:
આ ફિલ્મમાં ગીતા બસરા પણ એક દાયકાના લાંબા સમયગાળા બાદ ફિલ્મી પડદા પર પાછી ફરી રહી છે. તેમણે કહ્યું કે આ તો ફક્ત શરૂઆત છે અને ભવિષ્યમાં તેમના ઘણા નવા પ્રોજેક્ટ્સ જોવા મળશે.
આ ટીમમાં જોડાયેલાં અન્ય એક જાણીતા ચહેરા સુનિતા આહુજાએ તાજેતરમાં જ બ્લોગર તરીકે પોતાની નવી સફરની શરૂઆત કરી છે. સુનિતા ચંદીગઢના કાલી માતા મંદિરથી શરૂઆત કરીને હવે 'મેહર'ની ટીમ સાથે સુવર્ણ મંદિરનો બ્લોગ બનાવી રહી છે.
'મેહર' ફિલ્મનું દિગ્દર્શન રાકેશ મહેતા કરી રહ્યા છે અને તેનું શૂટિંગ મોહાલીમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક્શન, કોમેડી અને ડ્રામાનું મિશ્રણ હશે તેમ રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું.
