<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 28th August 2025

વશ લેવલ ૨: અરેરાટી અને આઘાત અનુભવવાનું ફાવતું હોય તો આ ફિલ્‍મ જોવી જોઇએ

જેને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્‍મ તરીકે હમણાં જ નેશનલ ફિલ્‍મ એવોર્ડ જાહેર થયો છે વશ ફિલ્‍મ પછી, દિગ્‍દર્શક કૃષ્‍ણદેવ યાજ્ઞિકે ‘‘વશ લેવલ ૨'' રિલીઝ કરી છે. આ ફિલ્‍મ એક પછી એક આઘાત આપનારી ફિલ્‍મ છે

મુંબઇ તા.૨૮: જેને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્‍મ તરીકે હમણાં જ નેશનલ ફિલ્‍મ એવોર્ડ જાહેર થયો છે વશ ફિલ્‍મ પછી, દિગ્‍દર્શક કૃષ્‍ણદેવ યાજ્ઞિકે વશ લેવલ ૨ રિલીઝ કરી છે.  કેડી તરીકે જાણીતા કૃષ્‍ણદેવ યાજ્ઞિક દર્શકોને ઝટકો આપવા અને વિચારતા કરી મુકવા માટે જાણીતા છે. આ ફિલ્‍મ એક પછી એક આઘાત આપનારી ફિલ્‍મ છે. વશ ફિલ્‍મની સિક્‍વલ તરીકે વશ લેવલ ૨માં પહેલી ફિલ્‍મના પાત્રો વાર્તાને આગળ વધારવાનું કારણ બને છે. જો કે વશીકરણ આ વખતે કોઇ એક વ્‍યક્‍તિ પર નહીં પણ સ્‍કૂલ ગર્લ્‍સ પર કરવામાં આવ્‍યું છે. એક બે નહીં પણ સો કરતા વધુ છોકરીઓના નિર્દોષ હાસ્‍ય હિંસક હુમલા, ડર, આંસુ અને લોહીની નદીઓમાં ફેરવાઇ જાય છે.

ફિલ્‍મનું કેમેરાવર્ક તેની સૌથી મોટી તાકાત છે. ઘણી શાર્પ ફ્રેમ્‍સ અને એરિયલ શોટ્‍સ દર્શકોને ચોંકાવે છે, પોતાની બેઠકની ધારે અધ્‍ધર બેસાડી રાખે એવાં છે, જોકે અમૂક ક્‍લોઝ-અપ્‍સ અને ડ્રોન શોટ્‍સ ટાળ્‍યા હોત તો ય દર્શકોને એટલો જ આઘાત લાગત જેટલો અત્‍યારે લાગ્‍યો છે. જો તે દ્રશ્‍યો ઓછામાં ઓછા રાખવામાં આવ્‍યા હોત, તો તે સસ્‍પેન્‍સને વધુ પ્રભાવશાળી રાખત. તેમ છતાં, વાર્તાનો પ્રવાહ એટલો મજબૂત છે કે દર્શક એક ક્ષણ માટે પણ ઉઠીને બહાર જવાની હિંમત ન કરે એ ચોક્કસ. દર્શકોનું વશીકરણ કરવાનું મહારથ કેડી પાસે છે એવું કહેવામાં કોઇ અતિશયોક્‍તિ નથી.

ફિલ્‍મનો પહેલો ભાગ ઝડપી ગતિએ આગળ વધે છે અને દર્શકોને ઉત્‍સાહિત રાખે છે, પરંતુ ઇન્‍ટરવલ પછી ગતિ થોડી ધીમી પડી જાય છે. જો કે, વાર્તા નવા સ્‍તરો ખોલતી રહે છે તેથી દર્શકોનો ફિલ્‍મમાં રસ ઓછો થતો નથી.

સ્‍કૂલગર્લ્‍સનો અભિનય ફિલ્‍મનો માહોલ બાંધનારો આધાર છે. તેમની નિર્દોષતા અને ભયની અભિવ્‍યક્‍તિ એટલી પ્રામાણિક છે કે તેઓ વાર્તાનું હાર્દ બને છે. બીજી બાજુ, જાનકી બોડીવાલાનો અભિનય એક પણ સંવાદ વિના દર્શકોને બાંધી રાખે છે.પહેલી ફિલ્‍મમાં તે વાર્તાનું કેન્‍દ્ર હતી, ભાગ ૨માં તેનો હિસ્‍સો મર્યાદિત છે પણ ખાલી આંખો સાથેનું સ્‍મિત ધરાવતો ચહેરો વ્‍યથા, ચિંતા અને ડર બધું જ પેદા કરે એવો છે.

વશ લેવલ ૨ જોઇને તમને એ સવાલનો જવાબ મળશે કે વશની પહેલી ફિલ્‍મમાં શેતાન સમા પ્રતાપે જે વશીકરણ કર્યું હતું તે શા માટે કર્યું હતું?  પુરુષપ્રધાન માનસિકતાની પરાકાષ્ઠા એ શેતાનના દિમાગની ઉપજ હોઇ શકે.  જો કે અંતમાં જે લેવડ-દેવડને કારણે જાનકીનું પાત્ર વશીકરણમાંથી બહાર આવે છે એ જોઇને કદાચ કોઇને લાગે કે સાવ આટલું સરળ ન હોઇ શકે પણ શેતાન સામે કોઇનું શાણપણ ચાલતું નથી એ અગમ-નિગમ અને તંત્રની દુનિયા જાણનારા સારી પેઠે સમજે છે. જો કે ફિલ્‍મને અંતે હિતુ કનોડિયાનું પાત્ર એક નિરાંતનો ઉંડો નિસાસો નાખે છે, દર્શકો સાથે પણ એવું તો થશે જ.

વશ લેવલ ૨ એક એવી ફિલ્‍મ છે જે ઉત્તમ અભિનય, મજબૂત દિગ્‍દર્શન અને ચુસ્‍ત કેમેરાવર્ક સાથે દર્શકોને અંત સુધી જકડી રાખે છે. સાયકોલોજિકલ થ્રિલર તરીકે આ ફિલ્‍મ આદર્શ છે. કે તમને જુગુપ્‍સા અને અરેરાટી ન અનુભવવી હોય તો આ ફિલ્‍મ ન જોવી.

માઇનસ પોઇન્‍ટ મધ્‍યાંતર પછીનો ભાગ વધુ પેસી હોત તો મજા આવત,  કેટલીક જગ્‍યાએ ડાર્ક ટોન વધુ વપરાયો હતો તો સાયકોલોજિકલ થ્રિલર માટે વધારે અસરકારક હોત, હિંસક દ્રશ્‍યોના ક્‍લોઝઅપ્‍સ અને ડ્રોન શોટ્‍સ ઓછા કરી શકાત.

(10:15 AM IST)