કાજોલ અને ટ્વિંકલના નવા શો 'ટૂ મચ'નું ટ્રેલર થયું લોન્ચ, સલમાન અને આમિર પણ મહેમાન બનશે!: શો 25 સપ્ટેમ્બરથી પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ
કાજોલે જણાવ્યું કે આ શો હોસ્ટ કરવો તેના માટે મિત્રોને મળવા જેવો અનુભવ હતો, પરંતુ દર્શકો માટે તે તેમના મનપસંદ કલાકારોને નજીકથી જાણવાની એક શાનદાર તક હશે

મુંબઈ: બોલિવૂડની બે અભિનેત્રીઓ કાજોલ અને ટ્વિંકલ ખન્ના હવે સાથે મળીને એક નવો ટોક શો હોસ્ટ કરી રહી છે, જેનું નામ છે 'ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ'. આ શોનું ટ્રેલર આજે લોન્ચ થયું છે, જે જોતા જ તમને કરણ જોહરના 'કોફી વિથ કરણ'ની યાદ અપાવશે, પરંતુ તેમાં એક અલગ મસ્તી અને મનોરંજન જોવા મળે છે. આ શો 25 સપ્ટેમ્બરથી પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે.
ખુલીને વાતો, મજેદાર રમતો
ટ્રેલરમાં કાજોલ અને ટ્વિંકલ તેમના મહેમાનો સાથે મજેદાર અને સ્પષ્ટ વાતચીત કરતી જોવા મળે છે. ટ્રેલરમાં સલમાન ખાન અને આમિર ખાનની ભાઈબંધ કેમેસ્ટ્રી જોવા મળી, જ્યાં બંને સાથે મળીને રમુજી રમતો રમે છે. એક ક્ષણે, જ્યારે સલમાનને પૂછવામાં આવે છે કે તે શોનું પ્રમોશન કેવી રીતે કરશે, ત્યારે તે 'ટ્વિંકલ-ટ્વિંકલ લિટલ સ્ટાર' કવિતા ગાવા લાગે છે.
મહેમાનોની યાદી
આ શોમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ મહેમાન તરીકે આવવાના છે. જેમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, કરણ જોહર, કૃતિ સેનન, વિકી કૌશલ, ગોવિંદા અને જ્હાન્વી કપૂરનો સમાવેશ થાય છે. આ શોનો નવો એપિસોડ દર ગુરુવારે રિલીઝ થશે.
કાજોલે જણાવ્યું કે આ શો હોસ્ટ કરવો તેના માટે મિત્રોને મળવા જેવો અનુભવ હતો, પરંતુ દર્શકો માટે તે તેમના મનપસંદ કલાકારોને નજીકથી જાણવાની એક શાનદાર તક હશે.
