ગુજરાતમાં રેકોર્ડબ્રેક કમાણી બાદ ફિલ્મ લાલો: કૃષ્ણ સદા સહાયતે હવે કેનેડામાં રિલીઝ થશે
IMDb પર 9.0/10 અને બુક માય શો પર 9.5/10 નું રેટિંગ મેળવનાર આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો

ગુજરાતી સિનેમામાં 2025 ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ગુજરાતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કર્યા બાદ આ ફિલ્મ 14 નવેમ્બરથી કેનેડામાં રિલીઝ થવા જઈ રહી છે.
ગત 10 ઓક્ટોબર, 2025 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે એક મહિના પછી પણ સિનેમાઘરોમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. ફિલ્મે વિવેચકો અને દર્શકો બંને તરફથી અભૂતપૂર્વ પ્રશંસા મેળવી છે. IMDb પર 9.0/10 અને બુક માય શો પર 9.5/10 નું રેટિંગ મેળવનાર આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે.
ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' 2025 ની સૌથી મોટી ગુજરાતી હિટ ફિલ્મનું સ્થાન મેળવ્યું છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે રિલીઝના 32 દિવસમાં ₹29.2 કરોડનું ઇન્ડિયા નેટ કલેક્શન કરીને ગુજરાતી સિનેમા માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ગુજરાતમાં મળેલી આ અભૂતપૂર્વ સફળતા બાદ હવે નિર્માતાઓએ ફિલ્મને કેનેડામાં વસતા ગુજરાતી દર્શકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
'લાલો: કૃષ્ણ સદા સહાયતે' એક ભાવનાત્મક અને ભક્તિમય ડ્રામા ફિલ્મ છે, જે જીવનના મૂલ્યો, સંબંધો અને આંતરિક સુધારણા પર પ્રકાશ પાડે છે. ફિલ્મની વાર્તા 'લાલો' નામના એક રિક્ષાચાલકની આસપાસ ફરે છે, જે ગરીબી અને ભૂતકાળના દર્દના બોજ નીચે જીવી રહ્યો છે. પૈસા કમાવવાની લાલચમાં તે એક સૂમસામ ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. આ એકલતામાં, તેને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે, જે મિત્ર અને માર્ગદર્શક બનીને તેને આત્મ-શોધ અને આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. ફિલ્મમાં ભક્તિ, ડ્રામા, હાસ્ય અને વાસ્તવિકતાનું સુંદર મિશ્રણ છે, જે તમામ વયના દર્શકોને ભાવુક કરી રહ્યું છે.
આ ફિલ્મને અંકિત સાખિયા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. ફિલ્મનું લેખન કૃષ્ણાંશ વાજા, વિકી પૂર્ણિમા અને અંકિત સાખિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મમાં લાલોની મુખ્ય ભૂમિકા કરણ જોશીએ ભજવી છે, જ્યારે અન્ય મુખ્ય કલાકારોમાં રીવા રાચ, શ્રુહદ ગોસ્વામી, મિષ્ટી કડેચા અને અન્શુ જોશીએ ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે.
