વારાણસીમાં બળદની સવારી કરતો મહેશબાબુનો રુદ્ર લૂક જોઈને ફેન આફરીન

રાજામૌલી, પ્રિયંકા, મહેશબાબુની વારાણસી ૨૦૨૭માં રિલીઝ થશેહૈદ્રાબાદ,તા.૧૭: એસએસ રાજામૌલીની જે ફિલ્મ વિશે અત્યાર સુધી ઘણી ચર્ચાઓ થઈ છે એવી ગ્લોબટ્રોટર ઇવેન્ટમાં ‘વારાણસી'ની જાહેરાત કરવામાં આવી છે. હૈદ્રાબાદમાં એક ગ્રાન્ડ ઇવેન્ટમાં આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રિયંકાના મંદાકિની અવતાર અને પૃથ્વી સુકુમારનના કુંભા લૂક પછી મહેશબાબુનો રુદ્ર લૂક જાહેર કરવામાં આવ્યો.
રામોજી ફિલ્મ સિટીમાં ૫૦ હજાર લોકોની હાજરીમાં આ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં ૧૩૦ ફૂટ- ૧૦૦ ફૂટના વિશાળ સ્ક્રીનમાં ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું, જેને લાખો લોકોએ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિગમાં પણ માણ્યું હતું. રાજામૌલીની આ ફિલ્મ અતિ મહત્વાકાંક્ષી અને સૌથી મોટી પેન ઇન્ડિયા રીલીઝ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે મોટા પડદે જોવી એ દેશભરના દર્શકો માટે એક અલગ અનુભવ હશે, આ ઇવેન્ટમાં પ્રિયંકા ચૌપરા પણ બિલકુલ પરંપરાગત વ્હાઇટ સાડી અને જ્વેલરીમાં દેસી લૂકમાં જોવા મળી હતી. તેના લૂકનાં પણ ઘણા વખાણ થયાં હતાં.
આ ઇવેન્ટમાં ત્રણ મિનિટનું એક ટીઝર લોંચ કરવામાં આવ્યું, જેમાં મહેશ બાબુનો પહેલો લૂક જોવા મળ્યો, તે વારાણસીમાં બળદ પર સવાર થઈને ત્રિશૂળ હાથમાં લઇને તેજ ગતિએ આવતો દેખાય છે. આ જોઇને દર્શકોએ તાલીઓ અને ચીચીયારીઓ સાથે તેને વધાવી લીધો હતો. આ ઇવેન્ટમાં મહેશબાબુએ કહ્યું, ‘‘હું દરેકને ગર્વ થાય એવું કામ કરીશ, ખાસ ડિરેક્ટરને મારા પર ગર્વ થશે. વારાણસી રિલીઝ થશે પછી સમગ્ર દેશને ગૈરવ થશે.''
જ્યારે રાજામૌલીએ કહ્યું કે, ‘‘મારા બાળપણથી મેં અનેક વાર વાત કરી છે કે મારા માટે રામાયણ અને મહાભારતનું શું મહત્વ છે, તેના પર કામ કરવું એ હંમેશા મારું સપનું રહ્યું છે. મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે રામાયણનું આટલું મહત્વનું પ્રકરણ હું આટલું જલદી શૂટ કરી લઈશ. આ ફિલ્મનો દરેક સીન અને દરેક ડાયલોગ લખતાં મને એવું થતું હતું કે હું જાણે હવામાં તરું છું. પહેલા દિવસે જ્યારે મહેશ ભગવાન રામ તરીકે તૈયાર થઇને ફોટોશૂટ માટે પહોંચ્યો, તો મારા રુંવાડા ઉભા થઈ ગયા હતા. હું તૂટી ગયો હતો. મહેશમાં કૃષ્ણનું આકર્ષણ છે અને રામ જેવી શાંતિ છે. મને એટલો વિશ્વાસ છે કે મેં મહેશનો એ ફોટો મારા વોલપેપર તરીકે રાખ્યો છે, પણ પછી એ કાઢી નાખ્યો. અમે એ સીન માટે ૬૦ દિવસ શૂટ કર્યું અને દરેક દિવસ એક પડકાર હતો. દરેક સીન એક ફિલ્મ જેવો લાગતો હતો. બધું જ ફરી પ્લાન કરીને એના પર કામ કરતા હતા. મન લાગે છે એ સીન સૌથી યાગદાર બની રહેશે.''
જ્યારે પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘‘આ ધરતી છે, જ્યાં સિનેમા એક ઉજવણી છે. હું મારા વ્હાલા ભારતમાં આવીને આ ફિલ્મ કરતાં બહુ જ ખુશ છું. મેં પહેલાં પણ કહ્યું છે, ફરી કહીશ, તેલુગુ સિનેમા સાથે જોડાવાનો શ્રેષ્ઠ અને એક માત્ર વિકલ્પ રાજામૌલી અને મહેશબાબુ જેવા મહાન લોકો સાથે કરવાનો જ છે.''
આ ઇવેન્ટમાં પૃથ્વી સુકુમારને પણ હાજર રહીને પોતાના અનુભવો વિશે વાત કરી હતી. તેમજ શ્રુતિ હસને એક ગીત પર પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. આ આ ફિલ્મ ૨૦૨૭ના ઉનાળમાં રીલીઝ થશે.
