અંગુરી ભાભી હવે જોવા મળશે મોટા પડદે
‘ભાભીજી ઘર પે હૈ' ફિલ્મનું શૂટિંગ ૨૦ દિવસમાં પૂરું થયું

મુંબઈ,તા.૨૭: ટીવી પર જે શોને ઘણી લોકપ્રિયતા મળી અને જેના મીમ્સ સૌથી વધુ વાયરલ થઈ રહ્યા હતા એ ‘ભાબીજી ઘર પે હૈ'ની હવે મોટા પડદા પર એન્ટ્રી થઈ રહી છે. આ શો પરથી ફિલ્મ બનવાની છે અને તેનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. તેનું શૂટિગ પૂરું થઈ ચુક્યું છે અને એ પણ માત્ર ૨૦ દિવસમાં કરી દેવાયું છે.
સિરીયલમાં જેણે અંગુરી ભાભીનો લીડ રોલ કર્યો હતો એવી એક્ટ્રેસ શુભાંગી અત્રે જ આ ફિલ્મમાં લીડ રોલ કરે છે. એક ઇન્ટરવ્યુમાં તેણે પણ આ વાત કન્ફર્મ કરી છે. તેણે જણાવ્યું, ‘‘હા આ ફિલ્મ માત્ર ૨૦ દિવસમાં શૂટ થઈ ચુકી છે. અમને તો ગિનિસ વર્લ્ડ બૂકમાં સ્થાન મળવું જોઈએ.'' જો આ ફિલ્મની કાસ્ટની વાત કરવામાં આવે તો, આ ફિલ્મમાં પણ શુભાંગી અત્રે ઉપરાંત, રોહિતાશ્વ ગોર અને આસિફ શેખ પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે ઉપરાંત રવિ કિશન, મુકેશ તિવારી અને બિજેન્દ્ર કાલા પણ જોવા મળશે.
આ સમગ્ર ફિલ્મનું શૂટિગ મસુરી અને દહેરાદુનના પહાડી વિસ્તારોમાં થયું છે. શૂટ અંગે શુભાંગીએ જણાવ્યું, ‘‘અમે બહુ ઠંડીમાં શૂટ કર્યું છે, અમને બહુ જ મજા પડી હતી અને શૂટિગ માર્ચમાં પૂરું થઈ ગયું હતું. તમે હસીને લોટપોટ થઈ જશો.''
આ ફિલ્મ વિશે વધુમાં શુભાંગીએ જણાવ્યું કે આ ફિલ્મમાં ફેન્સ માટે સરપ્રાઇઝ પણ છે. ‘‘આ ફિલ્માં અંગુરી કંઈક અલગ કરતી દેખાશે. એ ફેન્સ માટે સરપ્રાઇઝ હશે. લોકો શોને જે પ્રેમ આપ્યો છે, તે ફિલ્મને પણ મળે એવી આશા છે. અમે આ ફિલ્મ ઘણી દિલથી બનાવી છે.''
ફિલ્મની અનાઉન્સમેન્ટ અને ઝડપી પ્રક્રિયાથી તેમના ફેન્સ ઘણા ઉત્સાહમાં છે, તેમને હવે એ મજા અને મનોરંજન મોટા પડદા પર મળવાનું છે.
