બિગ બોસમાં ગૌરવ ખન્ના ૩ + કરોડ રૂપિયા કમાયો
ગૌરવને શો માટે પ્રતિ અઠવાડિયે અંદાજે ૧૭.૫ લાખ રૂપિયાની ફી મળી રહી હતી

મુંબઇ તા.૧૦: ‘અનુપમા'માં અનુજ કાપડિયાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ટીવી-એક્ટર ગૌરવ ખન્ના રવિવારે રિયલિટી શો ‘બિગ બોસ ૧૯'નો ગ્રેન્ડ ફિનાલે જીતીને આ સીઝનનો વિજેતા બની ગયો છે, જ્યારે ફરહાના ભટ્ટને રનર-અપ જાહેર કરવામાં આવી છે. ‘બિગ બોસ ૧૯'ની ગ્રેન્ડ ફિનાલે જીતવા બદલ ગૌરવને બિગ બોસની ટ્રોફી સાથે ૫૦ લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે. રવિવારે યોજાયેલી ગ્રેન્ડ ફિનાલેમાં કાર્તિક આર્યન, અનન્યા પાંડે, અરમાન મલિક અને કરણ કુન્દ્રા જેવા ઘણા સ્ટાર્સ પહોંચ્યાં હતાં.
ગૌરવ ખન્નાને વિજેતા તરીકે ટ્રોફી સાથે ૫૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી છે, પરંતુ ૧૫ અઠવાડિયાંમાં તેણે પ્રાઇઝ મનીથી લગભગ છગણી લગભગ ૩.૧૨ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. ગૌરવને શો માટે પ્રતિ અઠવાડિયે અંદાજે ૧૭.૫ લાખ રૂપિયાની ફી મળી રહી હતી. તે આ શોનો સૌથી વધુ ફી લેનારો સ્પર્ધક હતો અને ગ્રેન્ડ ફિનાલે સુધી તેની કુલ ફી લગભગ ૨.૬૨ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આમાં વિજેતાની ૫૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની ઉમેરીએ તો કુલ રકમ ૩.૧૨ કરોડ રૂપિયા થાય છે. આમ ‘બિગ બોસ ૧૯'માંથી કરોડોની કમાણી કરી છે.
‘બિગ બોસ ૧૯'ની મોટી જીત પછી ગૌરવ ખન્નાએ સોશ્યલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી જેમાં તેણે ‘બિગ બોસ ૧૯'ની વિનિંગ ટ્રોફી સાથેની તસવીર પોસ્ટ કરી છે. આ સિવાય એક બીજી તસવીરમાં તે પત્ની આકાંક્ષા ચમોલા સાથે દેખાઈ રહ્યો છે.
