<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 17th December 2025

"શાહરૂખ ખાન ન બની શક્યો તો શું થયું? હું અસફળ નથી": સુપરસ્ટાર ટેગ ન મળવા પર અક્ષય ખન્નાએ તોડ્યું મૌન, કહ્યું- રતન ટાટા ન હોવું એ નિષ્ફળતા નથી!

'ધુરંધર'ની 600 કરોડની કમાણી અને ડાકુ રહેમાનના પાત્રથી ફરી છવાઈ ગયેલા અક્ષય ખન્નાએ સ્ટારડમના વળગણ પર આપ્યો જડબાતોડ જવાબ, ઈન્ટરવ્યુ વાયરલ

મુંબઈ, તા.17: બોલિવૂડમાં પોતાના ગંભીર અને દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હાલમાં તેમની ફિલ્મ 'ધુરંધર'ની ભવ્ય સફળતાને માણી રહ્યા છે. ડાકુ રહેમાનના પાત્રમાં તેમના બલોચી નૃત્ય અને અભિનયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જોકે, આટલા વર્ષોની કારકિર્દીમાં તેમને ક્યારેય ખાન કે કપૂર જેવો 'સુપરસ્ટાર'નો ટેગ મળ્યો નથી. આ અંગે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અક્ષયે જે જવાબ આપ્યો તેણે બધાના દિલ જીતી લીધા છે.

સુપરસ્ટાર બનવું એ નસીબનો ખેલ છે

અક્ષય ખન્નાએ એક જૂના ઇન્ટરવ્યુને યાદ કરતા કહ્યું કે, "સ્ટાર બનવા માટે 'ગદર', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' કે 'હમ આપકે હૈ કૌન' જેવી ઐતિહાસિક ફિલ્મોની જરૂર હોય છે. એક અભિનેતા તરીકે તમે માત્ર તમારું શ્રેષ્ઠ કામ કરી શકો છો, પણ આવી બ્લોકબસ્ટર ફિલ્મો તમારા નસીબમાં આવશે કે નહીં તે તમારા હાથમાં નથી. તે સંપૂર્ણપણે તમારા નિયંત્રણની બહારની વાત છે."

બિઝનેસ અને સ્ટારડમની સરખામણી

સ્ટારડમ વિશે વાત કરતા અક્ષયે એક અદભૂત ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, "આ બિઝનેસ કોઈ મોટા ઉદ્યોગપતિ જેવો છે. જો તમે રતન ટાટા કે ધીરુભાઈ અંબાણી નથી, તો તેનો અર્થ એ નથી કે તમે સફળ નથી. તેવી જ રીતે, જો હું શાહરૂખ ખાન ન બની શક્યો, તો તેનો અર્થ એ નથી કે મેં સફળતા જોઈ નથી. હું પણ એક સ્ટાર છું અને મારી રીતે સફળ છું." અક્ષયના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

કોઈ અફસોસ નથી, ભગવાનનો આભાર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય સુપરસ્ટાર ન બની શક્યાનો અફસોસ થાય છે? ત્યારે અક્ષયે સ્મિત સાથે કહ્યું, "ના, ક્યારેય નહીં. ભગવાને મને બધું જ આપ્યું છે અને હું મારા કામથી સંતુષ્ટ છું." ઉલ્લેખનીય છે કે, અક્ષય ખન્નાની તાજેતરની ફિલ્મ 'ધુરંધર' એ વિશ્વભરમાં 600 કરોડ રૂપિયાની કમાણી કરીને સાબિત કરી દીધું છે કે ટેગ વગર પણ અક્ષય ખન્ના એક મજબૂત બ્રાન્ડ છે.

અક્ષય ખન્નાની આ વાતો એવા તમામ લોકો માટે બોધપાઠ સમાન છે જેઓ સફળતાને માત્ર ટોચના સ્થાને પહોંચવા સાથે જ સરખાવે છે.

 

(4:52 PM IST)