"આ માત્ર ફિલ્મ નથી, શહીદો માટેનો પ્રેમ પત્ર છે": 'ધુરંધર' જોઈને ભાવુક થઈ પ્રીતિ ઝિન્ટા, આદિત્ય ધરના દિગ્દર્શનને ગણાવ્યું 'માસ્ટરપીસ'
બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડનો આંકડો પાર કરનાર રણવીર સિંહની ફિલ્મ માટે પ્રીતિનું ખાસ ટ્વિટ: "સાડા ત્રણ કલાક ક્યાં વીતી ગયા ખબર જ ના પડી, હું આ ફિલ્મ ફરી જોવા તૈયાર છું"

મુંબઈ: વર્ષ ૨૦૨૫ના અંતિમ મહિનાઓમાં જો કોઈ ફિલ્મે આખા દેશમાં જુવાળ પેદા કર્યો હોય તો તે છે 'ધુરંધર'. આ ફિલ્મ માત્ર થિયેટરોમાં જ નહીં, પણ લોકોના દિલમાં પણ આગ લગાવી રહી છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ આ ફિલ્મ નિહાળી હતી અને તે એટલી પ્રભાવિત થઈ હતી કે તેણે સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ ઠાલવી દીધી છે. પ્રીતિએ આ ફિલ્મને દેશના રક્ષણ કાજે જીવ આપનારા અજાણ્યા નાયકો માટેનો એક 'પ્રેમ પત્ર' ગણાવ્યો છે.
ભરેલા થિયેટરમાં પ્રીતિએ માણી ફિલ્મ
પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનો અનુભવ શેર કરતા લખ્યું કે, "આજે ખૂબ મજા આવી. ઘણા સમય પછી મેં થિયેટરમાં એકલા બેસીને ફિલ્મ જોઈ. બપોરનો શો હાઉસફુલ હતો અને અનુભવ અદભૂત રહ્યો. આ મેં લાંબા સમયમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મ એકદમ વાસ્તવિક અને માસ્ટરપીસ છે." પ્રીતિએ ફિલ્મના સંગીત અને દરેક કલાકારના અભિનયના પણ મન ભરીને વખાણ કર્યા છે.
દિગ્દર્શક આદિત્ય ધરના ફેન બની ગયા પ્રીતિ
અભિનેત્રી ખાસ કરીને ફિલ્મમેકર આદિત્ય ધરના વિઝનથી પ્રભાવિત થઈ છે. તેણે જણાવ્યું કે આટલી મહેનત અને હૃદયથી બનેલી ફિલ્મ તેણે ભાગ્યે જ જોઈ છે. પ્રીતિ આદિત્ય ધરને અંગત રીતે ફોન કરીને અભિનંદન આપવાની પણ યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે આદિત્ય ધરે આ ફિલ્મને સાકાર કરવા માટે સતત ત્રણ વર્ષ સુધી રિસર્ચ અને મહેનત કરી છે.
₹૨૫૦ કરોડનું બજેટ અને તોતિંગ કમાણી
શરૂઆતમાં આ ફિલ્મનું બજેટ ₹૧૦૦ કરોડની આસપાસ હોવાનું મનાતું હતું, પરંતુ તેની ભવ્યતા અને સ્ટારકાસ્ટને કારણે તે ₹૨૫૦ કરોડને વટાવી ગયું છે. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મે જે રીતે ૩૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે તે જોતા નિર્માતાઓ અત્યંત ખુશ છે. આ ફિલ્મ હવે માત્ર એક એક્શન ફિલ્મ નહીં, પણ દેશભક્તિનો પર્યાય બની ગઈ છે.
પ્રીતિ ઝિન્ટાની આ પ્રશંસા બાદ 'ધુરંધર' જોવા માટે ચાહકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ નથી જોઈ, તો પ્રીતિના મતે તમે એક 'માસ્ટરપીસ' ચૂકી રહ્યા છો.
