કોમેડી ક્વીન ભારતી સિંહના ઘરે પારણું બંધાયું: ૪૧ વર્ષની વયે બીજા પુત્રના જન્મથી ખુશીનો માહોલ
લાફ્ટર શેફના શૂટિંગ માટે નીકળેલી ભારતીને હોસ્પિટલ લઈ જવી પડીઃ દીકરીની ઈચ્છા છતાં બીજા લાડકવાયાના આગમનથી લિંબાચિયા પરિવારમાં ઉત્સાહ

મુંબઈ, તા.૧૯: ભારતીય ટેલિવિઝનની સૌથી લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ફરી એકવાર ખુશીઓની કિલકારી ગુંજી ઉઠી છે. ૪૧ વર્ષની ઉંમરે ભારતીએ આજે ૧૯ ડિસેમ્બરના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો છે. મળતી માહિતી મુજબ, ભારતી આજે સવારે તેના રિયાલિટી શો લાફ્ટર શેફના શૂટિંગ માટે તૈયારી કરી રહી હતી, પરંતુ અચાનક તેને લેબર પેઈન ઉપડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ દ્વારા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે અને ગોલા (લક્ષ્ય)ને હવે નાનો ભાઈ મળતા લિંબાચિયા પરિવારમાં હાસ્યનો નવો દોર શરૂ થયો છે.
ભારતી સિંહે પોતાની બીજી પ્રેગ્નન્સી દરમિયાન અનેકવાર ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા વ્લોગ્સમાં દીકરી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે હંમેશા કહેતી હતી કે તેના ઘરે એક નાની લક્ષ્મી આવે જેની તે શણગાર કરે, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ભલે તેની દીકરીની ઈચ્છા અધૂરી રહી, પણ બીજા દીકરાના જન્મથી ભારતી અને હર્ષ અત્યંત ખુશ છે. તેમનો મોટો દીકરો લક્ષ્ય, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, તે હવે મોટા ભાઈની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જોકે, હજુ સુધી દંપતી દ્વારા સત્તાવાર રીતે સોશિયલ મીડિયા પર બાળકની તસવીર શેર કરવામાં આવી નથી.
પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતી ભારતીએ આ વખતે પણ પ્રેગ્નન્સીના અંતિમ દિવસો સુધી કામ ચાલુ રાખ્યું હતું. લાફ્ટર શેફના સેટ પર પણ તે તેના જોક્સ અને અંદાજથી લોકોને હસાવતી જોવા મળી હતી. આ શોના કલાકારોએ થોડા દિવસો પહેલા જ તેના માટે એક શાનદાર બેબી શાવરનું આયોજન પણ કર્યું હતું. ભારતીએ સાબિત કરી દીધું છે કે વય માત્ર એક આંકડો છે; ૪૧ વર્ષની ઉંમરે પણ તેણે જે રીતે પોતાની -ોફેશનલ લાઈફ અને હેલ્થને બેલેન્સ કરી છે, તે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.હાલમાં સોશિયલ મીડિયા પર હર્ષ અને ભારતીને ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો અભિનંદન આપી રહ્યા છે. કોમેડીની દુનિયાના આ પાવર કપલના ઘરે નવા સભ્યના આગમનથી મનોરંજન જગતમાં પણ હર્ષની હેલી જોવા મળી રહી છે. ફેન્સ હવે આતુરતાથી નાના મહેમાનના નામ અને તેની પહેલી ઝલકની રાહ જોઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં અને ખુશીની પળોમાં હર્ષ લિંબાચિયા હંમેશાની જેમ ભારતીની પડખે મક્કમતાથી ઉભો રહ્યો છે, જે તેમના પ્રેમને વધુ ખાસ બનાવે છે.
