'અવતાર 3' ની બોક્સ ઓફિસ પર એન્ટ્રી: જેક સલીના જાદુ સામે રણવીર સિંહના 'ધુરંધર'નો પડકાર; શું કેમેરોનનો જાદુ ઓસરી રહ્યો છે?
પ્રથમ દિવસે ₹25-30 કરોડના કલેક્શનનો અંદાજ; 'અવતાર 2' ની સરખામણીએ ઓપનિંગ ધીમું છતાં વિઝ્યુઅલ ટ્રીટને કારણે ફેન્સમાં ક્રેઝ અકબંધ
મુંબઈ : વિશ્વભરમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવી ફિલ્મ 'અવતાર: ફાયર એન્ડ એશ' આખરે મોટા પડદા પર દસ્તક આપી ચૂકી છે. જેમ્સ કેમેરોનની આ ફિલ્મ પાસેથી ભારતભરમાં બમ્પર ઓપનિંગની અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ શરૂઆતના ટ્રેન્ડ્સ મુજબ આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થયેલી 'અવતાર: ધ વે ઓફ વોટર'નો રેકોર્ડ તોડી શકે તેમ લાગતું નથી.
શું છે પહેલા દિવસની આગાહી?
બોક્સ ઓફિસ એક્સપર્ટ્સના મતે, 'અવતાર 3' ભારતમાં તેના પહેલા દિવસે ₹25 થી 30 કરોડનું કલેક્શન કરી શકે છે. જો તેની સરખામણી બીજા ભાગ સાથે કરવામાં આવે તો, 'અવતાર 2' એ પહેલા જ દિવસે ₹40 કરોડની કમાણી કરીને ભારતીય બોક્સ ઓફિસને હચમચાવી દીધી હતી. હાલના આંકડા દર્શાવે છે કે ત્રીજા ભાગની શરૂઆત ધાર્યા કરતા થોડી ધીમી રહી છે.
રણવીર સિંહના 'ધુરંધર'નું તોફાન નડ્યું?
ફિલ્મ વિવેચકોનું માનવું છે કે બોક્સ ઓફિસ પર અત્યારે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' જોરદાર કમાણી કરી રહી છે. ત્રીજા સપ્તાહમાં હોવા છતાં 'ધુરંધર'નું તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું, જેની સીધી અસર 'અવતાર 3' ના સ્ક્રીન કાઉન્ટ અને ઓક્યુપન્સી પર પડી રહી છે. ભારતીય દર્શકો અત્યારે દેશી એક્શન અને ગ્લોબલ સિનેમા વચ્ચે વહેંચાયેલા જોવા મળી રહ્યા છે.
કેવી છે ફિલ્મની સમીક્ષા?
વિવેચકો તરફથી 'અવતાર: ફાયર એન્ડ એશ'ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અનેક સમીક્ષકોએ ફિલ્મને 3.5 સ્ટાર આપતા જણાવ્યું છે કે, કેમેરોને ફરી એકવાર સિનેમાના પડદા પર અદભૂત કારીગરી બતાવી છે. ફિલ્મમાં કોઈ નવો વિચાર કદાચ ન હોય, પરંતુ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) અને પેન્ડોરાની દુનિયા જોવી એ એક લ્હાવો છે. હવે જોવાનું એ રહેશે કે શનિવાર અને રવિવારની રજાઓમાં આ ફિલ્મ કેટલી મોટી છલાંગ લગાવે છે.
