બોક્સ ઓફિસ પર મચશે હલચલ! રણવીર સિંહની 'ધૂરંધર 2' ની રિલીઝ ડેટ જાહેર; 2026ની ઈદ પર સાઉથ સુપરસ્ટાર યશની 'ટોક્સિક' સાથે થશે સીધી ટક્કર
હિન્દી જ નહીં, દક્ષિણ ભારતની ભાષાઓમાં પણ રિલીઝ થશે 'ધૂરંધર 2'; રણવીર સિંહ અને યશ વચ્ચેના મહાયુદ્ધમાં કોણ મારશે બાજી? ઈદ પર જોવા મળશે બોલિવૂડ Vs સાઉથનો જંગ

મુંબઈ : બોલિવૂડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહની એક્શન પેક્ડ ફિલ્મ 'ધૂરંધર'ના પહેલા ભાગની સફળતા બાદ હવે તેના બીજા ભાગ એટલે કે 'ધૂરંધર 2' ને લઈને મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આ ફિલ્મ 19 માર્ચ, 2026 ના રોજ ઈદના પવિત્ર તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ જાહેરાતની સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે કારણ કે તે દિવસે વર્ષની સૌથી મોટી ટક્કર થવાની છે.
આદિત્ય ધાર દ્વારા નિર્દેશિત 'ધૂરંધર' ના પહેલા ભાગને મળેલી સફળતા અને દક્ષિણ ભારતમાં હિન્દી ડબ વર્ઝનને મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા મેકર્સે એક મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. 'ધૂરંધર 2' માત્ર હિન્દીમાં જ નહીં, પરંતુ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ એમ કુલ પાંચ ભાષાઓમાં ભારતભરમાં એકસાથે રિલીઝ થશે. નિર્માતાઓ આ ફિલ્મને સાચા અર્થમાં 'પાન-ઈન્ડિયા બ્લોકબસ્ટર' બનાવવા માટે પોસ્ટ-પ્રોડક્શન પર દિન-રાત કામ કરી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર મહાસંગ્રામ: જોકે, 'ધૂરંધર 2' ની રિલીઝ ડેટની જાહેરાત સાથે જ એક મોટો વિવાદ પણ ઉભો થયો છે. સાઉથના સુપરસ્ટાર અને KGF ફેમ યશની આગામી ફિલ્મ 'ટોક્સિક' પણ 19 માર્ચ, 2026 ના રોજ જ રિલીઝ થવા જઈ રહી છે. યશની ફિલ્મના મેકર્સે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. આમ, 2026ની ઈદ પર રણવીર સિંહ અને યશ વચ્ચે બોક્સ ઓફિસ પર કાંટે કી ટક્કર જોવા મળશે.
સોશિયલ મીડિયા પર જામી ચર્ચા: X (અગાઉનું ટ્વિટર) અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર ચાહકો વચ્ચે અત્યારથી જ જંગ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ઘણા નેટીઝન્સનું માનવું છે કે રણવીર સિંહની લોકપ્રિયતા અને ફિલ્મના બઝને જોતા 'ધૂરંધર 2' યશની 'ટોક્સિક' ને પાછળ છોડી દેશે. બીજી તરફ સાઉથના ચાહકો યશના 'ટોક્સિક' લુક અને તેની સ્ટાઈલ પર ભરોસો મૂકી રહ્યા છે. આ ટક્કર યશની ફિલ્મ માટે નુકસાનકારક સાબિત થશે કે રણવીર માટે પડકારરૂપ, તે તો સમય જ બતાવશે. એ તો નક્કી છે કે 2026ની ઈદ સિનેમા પ્રેમીઓ માટે ડબલ ડોઝ સમાન રહેશે, જ્યાં બે ધૂરંધર અભિનેતાઓ પોતાની તાકાત બતાવશે
