બોક્સ ઓફિસ પર રણવીર સિંહની 'આતિશબાજી': ૨૩મા દિવસે પણ 'ધુરંધર'ની દબદબાભરી કમાણી, ૭૦૦ કરોડના આંકડા તરફ વિજય કૂચ!
બોલીવુડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે 'ધુરંધર'નું નામ; ચોથા શનિવારે પણ કમાણીમાં રહ્યો ઉછાળો, અક્ષય ખન્ના અને સંજય દત્તની એક્ટિંગે પ્રેક્ષકોને કર્યા મંત્રમુગ્ધ

નવી દિલ્હી: રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર માત્ર બ્લોકબસ્ટર જ નહીં, પણ એક ઇતિહાસ બની ગઈ છે. ૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ આજે ૨૩મા દિવસે પણ જે રીતે ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે, તે જોતા બોલીવુડના મોટા ગજાના ટ્રેડ એનાલિસ્ટ્સ પણ ચોંકી ઉઠ્યા છે. આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે જો વાર્તા દમદાર હોય, તો ત્રણ કલાકની લંબાઈ પણ દર્શકોને થિયેટરમાં જકડી રાખી શકે છે.
ચોથા શનિવારે પણ કમાણીનો કેર
ફિલ્મે તેના ૨૩મા દિવસે એટલે કે ચોથા શનિવારે અંદાજે ૧૪.૨૪ કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન ૬૬૧.૭૪ કરોડ (નેટ) થી પણ ઉપર પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ભારતભરમાં ૭૦૦ કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ બોલીવુડ ફિલ્મ બનવાના આરે છે. હાલમાં આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા ૨' (હિન્દી વર્ઝન) ના ૮૩૦ કરોડના રેકોર્ડને ટક્કર આપવા માટે મક્કમ ડગલાં ભરી રહી છે.
સ્ટાર કાસ્ટ અને સોશિયલ મીડિયા પર ધૂમ
આ સ્પાચ થ્રિલરમાં માત્ર રણવીર સિંહ જ નહીં, પણ અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન જેવા ધુરંધરોની જુગલબંદીએ જાદુ ચલાવ્યો છે. ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે યુવાનોમાં આ ફિલ્મ જોવાનો ક્રેઝ યથાવત છે. આદિત્ય ધરના સચોટ નિર્દેશને દર્શકોને છેલ્લી સેકન્ડ સુધી સીટ પર બેસી રહેવા મજબૂર કર્યા છે.
પાર્ટ-૨ ની જાહેરાતથી ફેન્સમાં ખુશી
ફિલ્મના અંતે પોસ્ટ-ક્રેડિટ સીનમાં જ આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરી દેવામાં આવી છે. 'ધુરંધર પાર્ટ ૨' ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે બીજો ભાગ હિન્દીની સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે, જે આ ફિલ્મને સાચા અર્થમાં પાન-ઇન્ડિયા ફિલ્મ બનાવશે.
