‘બેટલ ઓફ ગલવાન'ના ટીઝરથી ડર્યુ ચીનઃ સલમાન ખાનની ફિલ્મ પર ભડકયું ‘ગ્લોબલ ટાઈમ્સ'
ભારતીય જવાનોની બહાદુરી જોઈને બેઈજિંગમાં હલચલઃ ચીની મીડિયાએ ફિલ્મની તુલના ‘ગેમ ઓફ થ્રોન્સ' સાથે કરી મજાક ઉડાવી

નવી દિલ્હી, તા.૩૦: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ થતાની સાથે જ સરહદ પાર ચીનમાં ખળભળાટ મચી ગયો છે. ૧૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં ચીની સૈનિકોના હુમલાનો સામનો કરતા શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ અને ૨૦ ભારતીય વીરોની સત્યગાથા દર્શાવવામાં આવી છે. આ ટીઝર જોયા બાદ ચીનનું સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ ગુસ્સામાં લાલચોળ થઈ ગયું છે અને તેણે એક લાંબો રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો છે કે ભારત આ ફિલ્મ દ્વારા રાષ્ટ્રવાદ ઉશ્કેરી રહ્યું છે અને ઈતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ચીની મીડિયાએ પોતાની જૂની આદત મુજબ જૂઠનો સહારો લેતા દાવો કર્યો છે કે ૨૦૨૦માં ભારતીય સૈનિકોએ પહેલા સરહદ પાર કરી હતી. ચીની નેટીઝન્સે વેઈબો જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સલમાન ખાનની એક્શન સ્ટાઈલની મજાક ઉડાવતા તેને અતિશયોક્તિપૂર્ણ ગણાવી છે. ચીની નિષ્ણાત સોંગ ઝોંગપિંગે તો ત્યાં સુધી કહી દીધું કે બોલિવૂડ ફિલ્મો વાસ્તવિકતા બદલી શકતી નથી. ચીન અત્યારે ફિલ્મના એ દ્રશ્યોથી ડરી રહ્યું છે જેમાં પીએલએ સૈનિકોની કાયરતા અને ભારતીય સૈનિકોના પથ્થર અને લાકડીઓથી કરાયેલા જડબાતોડ જવાબને દુનિયા સામે લાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧૫-૧૬ જૂન, ૨૦૨૦ની એ કાળી રાત્રે પેટ્રોલિંગ પોઈન્ટ ૧૪ પર ચીની સૈનિકોએ કાંટાવાળા તાર અને લોખંડના સળિયાથી ભારતીય ટુકડી પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. ભારતે પોતાના ૨૦ સૈનિકોની શહાદતનો ગર્વભેર સ્વીકાર કર્યો હતો, જ્યારે ચીને મહિનાઓ સુધી પોતાના જવાનોના મોતના આંકડા છુપાવ્યા હતા. રશિયન ન્યૂઝ એજન્સી TASS અને અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ મુજબ ચીનના ૪૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીને લાંબો સમય બાદ માત્ર ૪ સૈનિકોના મોતનો આંકડો કબૂલ્યો હતો. આ જ સત્ય હવે ફિલ્મી પડદે આવવાનું હોવાથી ચીન સાર્વભૌમત્વના નામે બચાવ કરી રહ્યું છે.
ભારતમાં આ ટીઝરને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યારે ચીન તેની કલાત્મકતા પર સવાલ ઉઠાવી રહ્યું છે. ચીની યુઝર્સે ટીઝરના કેટલાક સીનને ગેમ ઓફ થ્રોન્સની નકલ પણ ગણાવ્યા છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ચીનનો આ વિરોધ તેની નબળાઈ દર્શાવે છે.
