અમિતાભ બચ્ચન એવોર્ડ્ઝ ખરીદતા નથી, બેસ્ટ એક્ટરનો એવોર્ડ ખરીદવા ઇનકાર કર્યો
અમિતાભ બચ્ચને ઇનકાર કરતા અનિલ કપૂરે એવોર્ડ ખરીદ્યો

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ખુદા ગવાહ'ના પ્રોડ્યુસર મનોજ દેસાઈએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે એક વખત બિગ બીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ઓફર થયો હતો, જે સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો. આ સાથે મનોજ દેસાઈએ એવું પણ કહ્યું કે અમિતાભ બચ્ચને ઇનકાર કરતા આયોજકોએ અનિલ કપૂરનો સંપર્ક કર્યો હતો અને તેણે આ એવોર્ડ સ્વીકારી લીધો હતો.
એક યુટ્યુબ ચેનલના ઇન્ટરવ્યુમાં મનોજ દેસાઈએ કહ્યું, ‘‘એક વખત હું અને અમિતાભ બચ્ચન એકસાથે બેઠા હતા, ત્યારે એક એવોર્ડ ફંક્શન ચાલતું હતું. (પૂર્વ ફિલ્મ લેખક) રઉફ અહેમદ આવ્યા અને મને કહ્યું કે, જો હું બેસ્ટ એક્ટરનો એવોર્ડ અમિતાભ બચ્ચનને આપી શકું તો, તમે આ પાર્ટીનો બધો ખર્ચ આપી શકો? હું આ અંગે પુછવા માટે અમિતાભ બચ્ચન પાસે ગયો. તેમણે મને કહ્યું, ‘‘અમિતાભ બચ્ચન એવોર્ડ ખરીદતા નથી.'' એમણે મને એમ પણ કહ્યું કે, ‘‘મને ખબર છે આ એવોર્ડ કોને અપાશે, આ એવોર્ડ અનિલ કપૂરને મળશે અને અને એણે તેના ઘરની અગાશી પર એક મોટી પાર્ટીનું આયોજન પણ કરી નાખ્યું છે.'' અનિલ કપૂરને આ એવોર્ડ મળ્યો પણ ખરો. મને લાગે છે અનિલ કપૂરને આ અવોર્ડ મિસ્ટર ઇન્ડિયા માટે મળ્યો હતો. અનિલ કપૂર ફિલ્મ ફેર પાર્ટીનો ખર્ચ આપવા સહમત થયા હતા એટલે જ તેમને આ એવોર્ડ મળ્યો હતો.''
જોકે હકિકત એવી છે કે અનિલ કપૂરને ૧૯૮૭માં મિસ્ટર ઇન્ડિયા માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો નહોતો. એમને ૧૯૮૯માં તેઝાબ માટે આ એવોર્ડ મળ્યો હતો અને એ જ વર્ષે અમિતાભ બચ્ચનની ફિલ્મ શહેનશાહ પણ એ જ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી.
મનોજ દેસાઈએ આગળ એવું પણ કહ્યું કે ધર્મેન્દ્ર પણ અમિતાભ બચ્ચન જેવા નીતિવાળા વ્યક્તિ હતા અને એવોર્ડ ખરીદવામાં માનતા નહોતા. તેમણે જણાવ્યું, ‘‘ધર્મેન્દ્રએ પણ ૧૦૦ ટકા આવી ઓફરનો ઇનકાર કરી દીધો હતો. એમણે કહ્યું હતું કે તેઓ કોઈ એવોર્ડ ખરીદશે નહીં. તેમને જ્યારે લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો ત્યારે તેમણે પોતાની સ્પીચમાં પણ કહ્યું હતું કે તેમની ઘણી ફિલ્મ માટે તેમને એવોર્ડ મળવો જોઈતો હતો પણ તેમને અપવામાં આવ્યો નહોતો.''(૩૮.૫)
