<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 1st January 2026

બોક્સ ઓફિસ પર 'ધુરંધર'નો દબદબો, પણ નવા વર્ષે ફિલ્મમાં મોટો કાપ: રણવીર સિંહની ફિલ્મમાંથી 'બલોચ' શબ્દ હટાવાયો, આજથી નવું વર્ઝન રિલીઝ

માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશ બાદ મેકર્સ એક્શનમાં; ફિલ્મમાં બે શબ્દો મ્યૂટ કરાયા અને સંવાદો બદલાયા - જાણો 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મમાં શું થયા ફેરફાર?

મુંબઈ: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' જે અત્યારે બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે, તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસથી જ સિનેમાઘરોમાં આ ફિલ્મનું 'સુધારેલું' એટલે કે સેન્સર્ડ વર્ઝન બતાવવામાં આવશે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિર્દેશો બાદ નિર્માતાઓએ ફિલ્મમાં અમુક મહત્વના ફેરફારો કર્યા છે, જેનું નવું ડિજિટલ પેકેજ (DCP) ૩૧ ડિસેમ્બરની રાત્રે જ થિયેટરોમાં મોકલી દેવામાં આવ્યું છે.
શું ફેરફારો કરવામાં આવ્યા છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં મુખ્યત્વે બે શબ્દોને 'મ્યૂટ' (અવાજ બંધ) કરવામાં આવ્યા છે અને એક મહત્વનો સંવાદ સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, ફિલ્મમાંથી જે શબ્દ દૂર કરવામાં આવ્યો છે તે 'બલોચ' હોવાનું કહેવાય છે. ફિલ્મમાં રણવીર સિંહ પાકિસ્તાનના લ્યારી વિસ્તારમાં જઈને જાસૂસી કરતો હોવાથી અમુક સંવાદો પર સરકાર તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેને હવે સુધારી લેવામાં આવ્યા છે.
બોક્સ ઓફિસ પર ઐતિહાસિક કમાણી
૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ આદિત્ય ધારની ફિલ્મ અત્યારે કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. 'ધુરંધર' અત્યાર સુધીમાં ભારતીય બજારમાં ૭૨૨.૭૫ કરોડ રૂપિયા ની કમાણી કરી ચુકી છે અને વિશ્વભરમાં તેની કમાણી ૧૦૦૦ કરોડ ને પાર કરી ગઈ છે. આ ફિલ્મે 'જવાન', 'સ્ત્રી ૨' અને 'એનિમલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના આજીવન કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. હવે તેની નજર 'RRR' ના ૭૮૨ કરોડના ડોમેસ્ટિક રેકોર્ડ પર છે.
જાસૂસીની રોમાંચક વાર્તા
ફિલ્મમાં રણવીર સિંહ 'હમઝા' નામના RAW એજન્ટના રોલમાં છે, જે ISI ના આતંકવાદી નેટવર્કને તોડવા માટે જીવના જોખમે પાકિસ્તાન જાય છે. અક્ષય ખન્નાએ વિલન તરીકે રહેમાન દકૈતનું પાત્ર ભજવીને લોકોના દિલ જીત્યા છે. આ સિવાય સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલની શાનદાર એક્ટિંગને કારણે ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે ફિલ્મમાં કરાયેલા આ કાનૂની ફેરફારો તેની કમાણીની ગતિને રોકી શકશે નહીં.

(7:34 PM IST)