બોલિવૂડમાં 'ધુરંધર'ની દહેશત: શાહરૂખની 'કિંગ' અને ભણસાલીની 'લવ એન્ડ વોર' હવે બે ભાગમાં આવશે : રણવીર સિંઘે બદલી નાખ્યા ઉદ્યોગના સમીકરણો!
રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ની સુનામીએ બોલિવૂડના મોટા ગજાના સર્જકોને પોતાની રણનીતિ બદલવા મજબૂર કર્યા

મુંબઈ: બોલિવૂડમાં અત્યારે જો કોઈ એક નામનો ડર હોય તો તે છે રણવીર સિંઘની 'ધુરંધર'. આ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ઈન્ડસ્ટ્રીના માંધાતાઓને વિચારતા કરી દીધા છે. 'ધુરંધર'નો બીજો ભાગ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાનો છે, જેના કારણે અન્ય મોટી ફિલ્મોના રિલીઝ શિડ્યુલ ખોરવાયા છે. આ 'ધુરંધર' ઇફેક્ટને કારણે હવે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિંગ' અને સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ 'લવ એન્ડ વોર'ના સર્જકોએ પણ નવી વ્યૂહરચના અપનાવી છે. અહેવાલો મુજબ, આ બંને ફિલ્મો હવે એક સિંગલ ફિલ્મ તરીકે નહીં, પણ બે ભાગમાં રિલીઝ થઈ શકે છે જેથી દર્શકોની ઉત્તેજના લાંબો સમય ટકી રહે અને બોક્સ ઓફિસ પર કોઈ મોટી ટક્કર ટાળી શકાય.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર', જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ છે, તે પહેલા ડિસેમ્બર ૨૦૨૫માં આવવાની હતી. પરંતુ હવે સમાચાર છે કે આ ભવ્ય વાર્તાને ન્યાય આપવા અને 'ધુરંધર' સાથેનો સીધો સંઘર્ષ ટાળવા માટે તેને ઓગસ્ટ કે સપ્ટેમ્બર ૨૦૨૬માં બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. તેવી જ રીતે, શાહરૂખ ખાનની 'કિંગ' જેમાં તેની પુત્રી સુહાના ખાન પણ ડેબ્યૂ કરી રહી છે, તેને પણ બે ભાગમાં વહેંચવાની તૈયારી ચાલી રહી છે. નિર્માતાઓનું માનવું છે કે બે ભાગમાં ફિલ્મ રિલીઝ કરવાથી ડિજિટલ અને સેટેલાઇટ રાઇટ્સ દ્વારા બમણી આવક થાય છે અને વાર્તાને પણ વધુ વિગતવાર રજૂ કરી શકાય છે.
આ નવી રણનીતિ મુજબ, ફિલ્મના બંને ભાગો વચ્ચે અંદાજે છ મહિનાનો તફાવત રાખવામાં આવશે. હાલમાં 'કિંગ' અને 'લવ એન્ડ વોર' બંનેનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ આખરી નિર્ણય એડિટિંગ ટેબલ પર લેવામાં આવશે કે વાર્તામાં બે ભાગમાં વિભાજિત થવાની ક્ષમતા છે કે નહીં. જો આ પ્રયોગ સફળ રહેશે, તો બોલિવૂડમાં આવનારા સમયમાં તમામ મોટી ફિલ્મો આ 'ટૂ-પાર્ટ' ફોર્મ્યુલા પર જ કામ કરતી જોવા મળશે. શાહરૂખની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જયદીપ અહલાવત જેવા દિગ્ગજ કલાકારો પણ છે, જે આ ફિલ્મને વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી સિનેમેટિક ઇવેન્ટ બનાવવા માટે પૂરતા છે.
