બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો 'ધુરંધર' અવતાર: ૧૨૪૭ કરોડની કમાણી બાદ YRF એ કર્યા વખાણ, રણવીરે કહ્યું- "મારું પ્રિય અલ્મા મેટર, બસ તને ગર્વ કરાવવો હતો"
ભારતીય સિનેમામાં ઈતિહાસ રચતી આદિત્ય ધરની જાસૂસી થ્રિલર; રણવીરની પ્રથમ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' પણ ફરીથી રિલીઝ થશે

મુંબઈ, તા.૦૭ : બોલિવૂડના પાવર-હાઉસ ગણાતા રણવીર સિંહની તાજેતરની ફિલ્મ 'ધુરંધર' અત્યારે બોક્સ ઓફિસ પર સુનામી લાવી રહી છે. વિશ્વભરમાં ૧૨૪૭ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી ચૂકેલી આ ફિલ્મે ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ભવ્ય સફળતા જોઈને રણવીરને બ્રેક આપનાર દેશના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ 'યશરાજ ફિલ્મ્સ' (YRF) એ સોશિયલ મીડિયા પર ફિલ્મની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. રણવીરે પણ અત્યંત વિનમ્રતા સાથે YRF ને પોતાનું "પ્રિય અલ્મા મેટર" (જ્યાંથી તેણે શરૂઆત કરી હતી) ગણાવીને આભાર વ્યક્ત કર્યો છે.
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત 'ધુરંધર' એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભારતીય સિનેમામાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ બની ગઈ છે. YRF એ આદિત્ય ધર અને જિયો સ્ટુડિયોને અભિનંદન આપતા જણાવ્યું કે, આ ફિલ્મની નિર્ભય વાર્તા અને શ્રેષ્ઠતાએ બોલિવૂડ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. રણવીરે આ ફિલ્મમાં પાકિસ્તાનમાં ઘૂસેલા એક ભારતીય જાસૂસ 'હમઝા' ની ભૂમિકા ભજવી છે, જેમાં તેની સાથે આર. માધવન, સંજય દત્ત અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારોએ જીવ રેડી દીધો છે.
રસપ્રદ વાત એ છે કે, 'ધુરંધર' ના ક્રેઝ વચ્ચે યશરાજ ફિલ્મ્સ રણવીરની ડેબ્યૂ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' ને પણ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. ૧૯૯૯ ના હાઇજેકિંગ અને મુંબઈ હુમલા જેવી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત 'ધુરંધર' બે ભાગની શ્રેણી છે, જેનો બીજો ભાગ ૧૯ માર્ચે રિલીઝ થવાની શક્યતા છે. રણવીરના કરિયરની આ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે અને તેણે સાબિત કરી દીધું છે કે જ્યારે સાચી વાર્તા અને દમદાર અભિનય મળે છે, ત્યારે તે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી શકે છે.
