"બાબા, તમે મને યોદ્ધા બનતા શીખવ્યું": ઇરફાન ખાનની જન્મજયંતિ પર પુત્ર બાબિલે શેર કરી દિલ જીતી લે તેવી તસવીરો અને યાદો
સોફા મોડથી લઈને ગંભીર વાતો સુધી... પિતાને યાદ કરી બાબિલ ખાન થયો ભાવુક; ચાહકોએ કહ્યું - "ઇરફાન હંમેશા અમારા દિલમાં રહેશે"

નવી દિલ્હી, તા.૦૭ : ભારતીય સિનેમાના સૌથી તેજસ્વી અને સાદગીપૂર્ણ અભિનેતા ઇરફાન ખાન આજે જો આપણી વચ્ચે હોત તો તેમનો ૫૯મો જન્મદિવસ હોત. આ ખાસ અવસરે તેમના પુત્ર બાબિલ ખાને સોશિયલ મીડિયા પર પિતા સાથેની અત્યંત દુર્લભ અને વહાલી તસવીરો શેર કરીને એક એવી શ્રદ્ધાંજલિ આપી છે જેણે લાખો ચાહકોની આંખો ભીની કરી દીધી છે. બાબિલે પિતાના નિધન પર શોક કરવાને બદલે તેમની જીવંત યાદોને ઉજવવાનો માર્ગ પસંદ કર્યો છે.
બાબિલે ઇન્સ્ટાગ્રામ પર બે ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જેમાંની પહેલી તસવીર બાળપણની છે, જેમાં નાનકડો બાબિલ પિતા ઇરફાનની પીઠ પર આરામ કરી રહ્યો છે. આ તસવીર સાથે બાબિલે ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું કે, "હું કહેતો હતો કે 'સોફા મોડ એક્ટિવેટ' થઈ ગયો છે અને પછી તેમની પીઠ પર કૂદીને સૂઈ જતો." બીજી તસવીરમાં પિતા અને પુત્ર વચ્ચેની એક ગંભીર અને અંતરંગ વાતચીતની ક્ષણ કેદ થયેલી જોવા મળે છે. આ પોસ્ટ જોતા જ ચાહકોએ કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો, જેમાં દરેકને ઇરફાન ખાનની એ સહજ મુસ્કાન અને અદાકારીની ખોટ વર્તાતી હતી.
૨૯ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર સામેની જંગ હારી જનાર ઇરફાન ખાને 'ધ લંચબોક્સ' અને 'હિન્દી મીડિયમ' જેવી ફિલ્મો દ્વારા વિશ્વભરમાં એક અમીટ છાપ છોડી છે. બાબિલે અગાઉ પણ પિતાને યાદ કરતા લખ્યું હતું કે, "તમે મને દયા અને પ્રેમ સાથે લડતા શીખવ્યું છે. તમારા ચાહકો માત્ર દર્શકો નથી, પણ આપણો પરિવાર છે અને હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે મને પાછા નહીં બોલાવો ત્યાં સુધી હું આપણા લોકો માટે લડતો રહીશ." પિતા-પુત્રના આ અતૂટ પ્રેમની વાર્તા આજે ઇરફાનના જન્મદિસે ફરી એકવાર જીવંત થઈ ઉઠી છે.
