વિક-કેટના લાડકવાયાનું નામકરણ: 'વિહાન' રાખ્યું નામ: સંસ્કૃતના આ અદ્ભુત અર્થ સાથે વિકી-કેટરિનાએ શેર કરી પુત્રની પહેલી ઝલક
સોશિયલ મીડિયા પર ફેન્સની આતુરતાનો અંત આવ્યો : કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના નવજાત પુત્રનું નામ 'વિહાન કૌશલ' જાહેર કરીને સૌનું દિલ જીતી લીધું : સૂર્યોદય અને નવી શરૂઆતનો અર્થ ધરાવતા આ નામ સાથે કપલે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી

મુંબઈ : કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના પુત્રના નામ તરીકે 'વિહાન' (Vihaan) પસંદ કર્યું છે, જે એક શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. આ નામનો અર્થ થાય છે 'સવારનો પ્રથમ પ્રકાશ', 'સૂર્યોદય' અથવા 'એક નવી શરૂઆત'. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર પુત્રનો નાનકડો હાથ પકડેલો એક અત્યંત ક્યૂટ ફોટો શેર કર્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, "અમારા માટે પ્રકાશનું કિરણ – વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે, જીવન ખરેખર સુંદર છે. અમારી દુનિયા એક ક્ષણમાં બદલાઈ ગઈ છે અને અમારી પાસે આભાર માનવા માટે શબ્દો ખૂટી રહ્યા છે."
વિકી અને કેટરિનાએ 9 ડિસેમ્બર, 2021 ના રોજ રાજસ્થાનમાં શાહી ઠાઠથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ આ કપલના જીવનમાં ખુશીઓનો નવો અધ્યાય શરૂ થયો છે. કેટરિનાએ 7 નવેમ્બર, 2025 ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ અત્યાર સુધી આ દંપતીએ તેને મીડિયા અને લાઈમલાઈટથી દૂર રાખ્યો હતો. સપ્ટેમ્બર 2025 માં તેમણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી ત્યારથી જ ચાહકોમાં ભારે ઉત્તેજના હતી. હવે પુત્રનું નામ જાહેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર 'વિહાન કૌશલ' નામ ટ્રેન્ડ થવા લાગ્યું છે.
પુત્રના નામની જાહેરાત થતાની સાથે જ બોલિવૂડના સિતારાઓ અને ફેન્સ તરફથી શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ અને કરણ જોહર જેવા દિગ્ગજોએ આ સુંદર નામની પ્રશંસા કરી છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસની ઝડી લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'વિહાન' નામ આ કપલની પર્સનાલિટીને બરાબર સૂટ થાય છે. કેટરિના અને વિકીની આ પોસ્ટ અત્યારે ઈન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચાઈ રહેલી ખબર બની ગઈ છે, કારણ કે દરેક જણ આ નનકડા રાજકુમારની એક સંપૂર્ણ ઝલક જોવા માટે બેતાબ છે.
