<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 8th January 2026

વિકી-કેટરિનાએ દીકરાના પહેલા ફોટો સાથે નામ જાહેર કર્યું

કપલે તેમના દીકરાનું નામ ‘વિહાન કૌશલ' રાખ્‍યું : કપલે લખ્‍યું, આપણી આશાનું કિરણ, વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્‍યો છે. જીવન સુંદર છે. અમારી દુનિયા એક ક્ષણમાં બદલાઈ ગઈ છે. શબ્‍દો વ્‍યક્‍ત કરી શકતા નથી કે અમે કેટલા આભારી છીએ

મુંબઇ તા.૮: બોલિવૂડના સૌથી પ્રખ્‍યાત કપલમાંથી એક એવા કેટરિના કૈફ અને વિકી કૌશલે સોશિયલ મીડિયા પર તેમના દીકરાનો પહેલો ફોટો શેર કરી ચાહકોને સરપ્રાઈઝ આપી છે. દીકરાના ફોટોને શેર કરવાની સાથે સાથે, આ કપલે તેમના દીકરાનું નામ પણ જાહેર કરી દીધું છે. પોતાના ફેવરેટ સેલેબ્રિટી કપલના દીકરાની તસવીર અને નામની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફોટોમાં વિકી અને કેટરિનાના નવજાત બાળકની સુંદરતા જોઈને ચાહકો સહિત ફિલ્‍મ જગતના અનેક સેલેબ્‍સ પણ બાળક પર પ્રેમ વરસાવી રહ્યા છે. કેટરિના કૈફ અને વિકી કૌશલે ડિસેમ્‍બર ૨૦૨૧ માં રાજસ્‍થાનમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.

કેટરિના અને વિકીના દીકરાનો જન્‍મ ૭ નવેમ્‍બરના રોજ થયો હતો. ત્‍યારથી, આ કપલે જુનિયર કૌશલનો અત્‍યારસુધી કોઈ પણ ફોટો જાહેર કર્યો ન હતો. પરંતુ હવે, ચાહકોની ઇચ્‍છાઓ પૂર્ણ થઈ છે. આ કપલે તેમના દીકરાનું નામ ‘વિહાન કૌશલ' રાખ્‍યું છે.

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા, કપલે લખ્‍યું, આપણી આશાનું કિરણ, વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્‍યો છે. જીવન સુંદર છે. અમારી દુનિયા એક ક્ષણમાં બદલાઈ ગઈ છે. શબ્‍દો વ્‍યક્‍ત કરી શકતા નથી કે અમે કેટલા આભારી છીએ. વિકી અને કેટરિનાની આ પોસ્‍ટ પર બોલિવૂડની ઘણી હસ્‍તીઓએ અભિનંદન પાઠવ્‍યા. જાહેરાત પછી, મીડિયા અને ચાહકો બન્નેએ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી પરિણીતી ચોપરા, ભૂમિ પેડનેકર, સિદ્ધાંત ચતુર્વેદી, રિચા ચઢ્ઢા, દિયા મિર્ઝા, હૃતિક રોશન અને શિબાની અખ્‍તર સહિત અન્‍ય સેલેબ્‍સે કમેન્‍ટ સેકશનમાં આ દંપતીને શુભેચ્‍છાઓ પાઠવી.

તાજેતરમાં, GQ ઇન્‍ડિયા સાથેની વાતચીતમાં, વિકી કૌશલે પોતાના જીવનના આ નવા તબક્કા વિશે જાહેરમાં વાત કરી હતી. તેણે કહ્યું, આ વર્ષે પિતા બનવું મારા માટે ૨૦૨૫ ની સૌથી મોટી ક્ષણ છે. તે એક જાદુઈ અનુભૂતિ છે. મેં હંમેશા વિચાર્યું હતું કે જ્‍યારે આ સમય આવશે ત્‍યારે હું ખૂબ જ ભાવુક અને ઉત્‍સાહિત થઈશ, પરંતુ વાસ્‍તવમાં, તે મારા જીવનનો સૌથી શાંત અને શાંતિપૂર્ણ ક્ષણ રહ્યો છે.

એક ઇવેન્‍ટમાં વિકીને સવાલ કરવામાં આવ્‍યો કે ઍક્‍ટિંગ અને ડાન્‍સમાં એક્‍સપર્ટ બન્‍યા પછી શું તેણે ડાયપર બદલવાનું પણ શીખી લીધું છે? આ સવાલ પર હસતાં-હસતાં જવાબ આપતાં વિકીએ કહ્યું કે ‘હવે હું એક્‍ટિંગ કરતાં ડાયપર બદલવામાં વધારે એક્‍સપર્ટ બની ગયો છું. પપ્‍પા બન્‍યા પછી હું પહેલી વખત મુંબઈની બહાર નીકળ્‍યો છું અને દીકરાને છોડીને મુંબઈની બહાર જવાનું કામ બહુ મુશ્‍કેલ છે. જોકે એક દિવસ જ્‍યારે મારો દીકરો આ બધું જોશે ત્‍યારે તેને પોતાના પિતા પર ગર્વ થશે. પિતા હોવાનો અર્થ શું છે એ શબ્‍દોમાં વ્‍યક્‍ત કરવું મારા માટે મુશ્‍કેલ છે.

(10:45 AM IST)