થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જના નાયગન' પર સેન્સર બોર્ડની કાતર: પોંગલ પહેલા તમિલનાડુના રાજકારણમાં ગરમાવો
વિજયના ચાહકો આકરા પાણીએ: સેન્સર સર્ટિફિકેટ ન મળતા 9 જાન્યુઆરીની રિલીઝ અટકી, હવે મદ્રાસ હાઈકોર્ટના ફેંસલા પર નિર્ભર છે ફિલ્મનું ભવિષ્ય

ચેન્નઈ, તા. 08 : તમિલ સુપરસ્ટાર વિજયની સિનેમા જગતની વિદાય ફિલ્મ મનાતી 'જના નાયગન' (Jana Nayagan) અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ પર સેન્સર બોર્ડે હજુ સુધી સર્ટિફિકેટ જાહેર કર્યું નથી, જેના કારણે આખા દક્ષિણ ભારતમાં વિજયના ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિજયના સમર્થકોને શંકા છે કે આ માત્ર સેન્સરનો મુદ્દો નથી, પરંતુ તેની પાછળ કોઈ રાજકીય ષડયંત્રની ગંધ આવી રહી છે.
કોર્ટમાં જંગ અને કરોડોનું નુકસાન:
આ મામલો હવે મદ્રાસ હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે અને શુક્રવાર સવારે કોર્ટ આ અંગે પોતાનો આખરી નિર્ણય સંભળાવશે. જો ફિલ્મની રિલીઝ 10, 11 કે 14 જાન્યુઆરી (પોંગલ) સુધી લંબાય છે, તો નિર્માતાઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને વિદેશી બજારોમાં પણ 24 જેટલા દેશોમાં રિલીઝ અટકાવી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે સેન્સર બોર્ડની તપાસ સમિતિમાં 4 સભ્યો ફિલ્મના પક્ષમાં હોવા છતાં, માત્ર એક જ સભ્યના વાંધાને કારણે સર્ટિફિકેટ અટકાવી દેવામાં આવ્યું છે.
રાજકીય યુદ્ધના મેદાનમાં સિનેમા:
તમિલનાડુમાં આ પોંગલ પર બે મોટી ફિલ્મો વચ્ચે ટક્કર થવાની હતી:
1. જના નાયગન: વિજયની ફિલ્મ, જેનું શીર્ષક જ 'જનતાનો નેતા' થાય છે. તેમાં વિજયનું પાત્ર 'થલાપતિ વેત્રી કોંડન' છે (જેનું ટૂંકું નામ TVK થાય છે – વિજયની રાજકીય પાર્ટીનું નામ પણ TVK જ છે).
2. પરાશક્તિ: શિવકાર્તિકેયનની ફિલ્મ, જે 1960 ના હિન્દી વિરોધી આંદોલન પર આધારિત છે. આ ફિલ્મનું વિતરણ સત્તાધારી પક્ષ DMK સાથે જોડાયેલ 'રેડ જાયન્ટ મૂવીઝ' કરી રહ્યું છે.
ભાજપ અને વિજય વચ્ચેની તકરાર?
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ તેજ છે કે કેન્દ્ર સરકાર હસ્તકના સેન્સર બોર્ડ દ્વારા આ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે. વિજયના સમર્થકો માને છે કે ભાજપ આ યુક્તિનો ઉપયોગ વિજયની પાર્ટી (TVK) ને NDA સાથે જોડાણ કરવા માટે દબાણ કરવા કરી રહી છે. વધુમાં, CBI એ પણ વિજયને 12 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, જેનાથી શંકાઓ વધુ ઘેરી બની છે.
જૂનો ઈતિહાસ અને વિવાદો:
આ પહેલીવાર નથી જ્યારે વિજયની ફિલ્મો મુશ્કેલીમાં મુકાઈ હોય. આ પહેલા 'મેર્સલ'માં GST ની ટીકા અને 'સરકાર'માં મફત યોજનાઓની મજાક ઉડાવવા બદલ તત્કાલીન શાસક પક્ષોએ ભારે વિરોધ કર્યો હતો. 'જના નાયગન'માં પણ વિજય ભ્રષ્ટ રાજકારણીઓ પર ચાબુક વીંઝતા જોવા મળે છે, જે એમજી રામચંદ્રન (MGR) ની યાદ અપાવે છે.
હવે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તમિલનાડુના લાખો ચાહકોની નજર હાઈકોર્ટના આદેશ પર છે. શું 'જના નાયગન' પોંગલના ઉત્સાહને વધારશે કે પછી રાજકીય ખેંચતાણમાં આ ફિલ્મનો પારો વધુ ગરમાશે?
