<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 9th January 2026

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જાના નાયગન' પર કાનૂની ગ્રહણ: રિલીઝ અટકતા નિર્માતાઓને ₹૧૦૦ કરોડનો ફટકો, ટિકિટોનું રિફંડ શરૂ

સેન્સર બોર્ડ અને હાઈકોર્ટ વચ્ચેના કાનૂની જંગમાં ફિલ્મ ફસાઈ; ૯ જાન્યુઆરીની રિલીઝ ટળી, હવે ૨૧ જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

ચેન્નાઈ : તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજય, જેઓ હવે ફિલ્મી દુનિયા છોડીને સંપૂર્ણપણે રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે, તેમની છેલ્લી ફિલ્મ "જાના નાયગન" (Jana Nayagan) અત્યારે ભારે સંકટમાં મુકાઈ છે. આજે ૯ જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં રિલીઝ થનારી આ ફિલ્મ સેન્સર બોર્ડ (CBFC) સાથેના વિવાદને કારણે સમયસર થિયેટરોમાં પહોંચી શકી નથી, જેના પરિણામે નિર્માતાઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કોર્ટનો વળાંક અને રિલીઝ પર સ્ટે
આ વિવાદની શરૂઆત સેન્સર સર્ટિફિકેટના અભાવે થઈ હતી. અગાઉ મદ્રાસ હાઈકોર્ટના સિંગલ જજે સેન્સર બોર્ડને ઠપકો આપીને ફિલ્મને તાત્કાલિક U/A સર્ટિફિકેટ આપવા આદેશ કર્યો હતો. જોકે, સેન્સર બોર્ડે આ આદેશ સામે અપીલ કરતા મુખ્ય ન્યાયાધીશની બેન્ચે સિંગલ જજના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. કોર્ટનું માનવું છે કે પ્રમાણપત્ર મળ્યા પહેલા જ રિલીઝ ડેટ જાહેર કરીને નિર્માતાઓએ બોર્ડ પર ખોટું દબાણ ઊભું કર્યું છે. હવે આ મામલે ૨૧ જાન્યુઆરીએ સુનાવણી થશે.
ફિલ્મની રિલીઝ અટકતા KVN પ્રોડક્શન્સને આશરે ₹૧૦૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. વિદેશમાં પણ આ ફિલ્મનો ભારે ક્રેઝ હતો અને યુકે-યુએસ માર્કેટમાં એડવાન્સ બુકિંગ દ્વારા ₹૪૦ કરોડ જેવી રકમ એકઠી થઈ હતી. ભારતમાં પણ કેરળ અને કર્ણાટકમાં એડવાન્સ બુકિંગ પૂરજોશમાં હતું. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ નથી, ત્યારે નિર્માતાઓએ પ્રેક્ષકોને પૈસા પાછા આપવાનું શરૂ કર્યું છે. માત્ર કર્ણાટકમાં જ ₹૬ કરોડનું રિફંડ આપવું પડે તેવી સ્થિતિ છે, જેમાંથી ₹૧ કરોડ તો ચૂકવી પણ દેવામાં આવ્યા છે.
વિજયની આ છેલ્લી ફિલ્મ હોવાથી ચાહકોમાં અનેરી ઉત્તેજના હતી. એડવાન્સ બુકિંગના આંકડા પરથી અંદાજ હતો કે ફિલ્મ પહેલા જ વીકએન્ડમાં ₹૧૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે. પરંતુ કાનૂની ગૂંચવણોએ અત્યારે વિતરકો અને ફાઇનાન્સરોની ચિંતામાં વધારો કર્યો છે. હવે સૌની નજર ૨૧ જાન્યુઆરીની સુનાવણી પર છે કે વિજયની આ વિદાય ફિલ્મ ક્યારે મોટા પડદા પર જોવા મળશે.

(8:30 PM IST)