બોર્ડર 2' ના નવા ગીતે સૌની આંખો ભીની કરી: દિલજીત દોસાંઝના અવાજમાં 'ઈશ્ક દા ચેહરા' રિલીઝ, સરહદ પર જતા સૈનિકની દર્દભરી દાસ્તાન
સની દેઓલ અને વરુણ ધવનની આ વર્ષની સૌથી મોટી ફિલ્મનું બીજું ગીત આઉટ; દેશભક્તિ અને પરિવારના પ્રેમનો અનોખો સંગમ, ૨૩ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં ગુંજશે વિજયઘોષ

મુંબઈ: જેપી દત્તાની આઇકોનિક ફિલ્મ 'બોર્ડર' ના ૨૯ વર્ષ બાદ, તેનો બીજો ભાગ 'બોર્ડર 2' અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સની દેઓલ સ્ટારર આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેના ગીતોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તાજેતરમાં 'ઘર કબ આઓગે' ની સફળતા બાદ, આજે ફિલ્મનું બીજું ગીત 'ઈશ્ક દા ચેહરા' રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે રિલીઝની ગણતરીની મિનિટોમાં જ લાખો લોકોના દિલ જીતી લીધા છે.
આ ભાવુક રોમેન્ટિક ગીતને પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ, સચેત ટંડન અને પરંપરા ટંડને ગાયું છે. ગીતનું સંગીત સચેત-પરંપરાએ આપ્યું છે, જ્યારે મર્મીલા શબ્દો કૌસર મુનીરના છે. આ ગીત માત્ર સૈનિકની દેશભક્તિ જ નહીં, પણ તેની પાછળ રહી જતા પરિવાર અને પત્નીના વિરહના દર્દને પણ જીવંત કરે છે. ગીતનો વીડિયો જોઈને અનેક લોકો પોતાની આંખોના આંસુ રોકી શક્યા નથી.
'ઈશ્ક દા ચેહરા' ગીત એ વાતનું પ્રતિક છે કે એક સૈનિક માત્ર દેશની રક્ષા માટે જ નથી લડતો, પણ તે તેના હૃદયમાં તેના પરિવાર પ્રત્યેનો અપાર પ્રેમ પણ રાખે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક જવાન પોતાની પત્ની અને બાળકોને મૂકીને માતૃભૂમિની રક્ષા માટે સરહદ પર પાછો ફરે છે. આ ભાવનાત્મક પાસું પ્રેક્ષકોને ફિલ્મ સાથે વધુ ઉંડાણથી જોડી રહ્યું છે.
'બોર્ડર 2' માં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત મોના સિંહ અને સોનમ બાજવા પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પ્રજાસત્તાક પર્વના અવસરે આ ફિલ્મ દેશભક્તિનો નવો જુવાળ લાવશે તેવું નિશ્ચિત જણાઈ રહ્યું છે.
