રાની મુખર્જીના બોલીવુડમાં ૩૦ વર્ષ પૂર્ણ: યશ રાજ ફિલ્મ્સે 'મર્દાની 3' નું ટ્રેલર રિલીઝ કરી આપી ભેટ; ફરી જોવા મળશે શિવાની શિવાજી રોયનો લેડી સિંઘમ અવતાર
“કોઈ માસ્ટર પ્લાન નહોતો, માત્ર વાર્તાઓ પ્રત્યે પ્રેમ હતો”: ૩ દાયકાની સફર પર રાની થઈ ભાવુક; હવે ૩૦ જાન્યુઆરીએ થિયેટરોમાં ગુંજશે મર્દાનીની ગર્જના, વિલન તરીકે મહિલા શક્તિનો જંગ

મુંબઈ : બોલીવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક રાની મુખર્જીએ આજે હિન્દી સિનેમામાં પોતાની શાનદાર સફરના ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે યશ રાજ ફિલ્મ્સે ચાહકોને સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે. રાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મર્દાની 3' નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં રાની ફરી એકવાર નીડર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના પાવરફુલ પાત્રમાં પરત ફરી છે.
સમય સામેનો જંગ અને નવો વિરોધી
'મર્દાની 3' ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે આ વખતે શિવાની શિવાજી રોય ગુમ થયેલી યુવતીઓને બચાવવા માટે એક અત્યંત જટિલ કેસ ઉકેલી રહી છે. આ વખતે મુકાબલો વધુ રોમાંચક છે કારણ કે તેની સામે કોઈ પુરુષ વિલન નથી, પરંતુ એક અત્યંત ક્રૂર અને શક્તિશાળી મહિલા વિરોધી છે, જેનું પાત્ર અભિનેત્રી મલ્લિકા પ્રસાદ ભજવી રહી છે. આ ઉપરાંત 'શૈતાન' ફેમ જાનકી બોડીવાલા પણ આ વખતે આ ફ્રેન્ચાઈઝીમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
૩૦ વર્ષની સફર પર રાનીની હૃદયસ્પર્શી નોંધ
પોતાની કારકિર્દીના ૩૦ વર્ષ પૂર્ણ થતા રાની મુખર્જી ભાવુક થઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "૩૦ વર્ષ... આ સાંભળવું અવાસ્તવિક લાગે છે. હું કોઈ માસ્ટર પ્લાન સાથે ફિલ્મોમાં નહોતી આવી, માત્ર એક નર્વસ છોકરી હતી જે કેમેરા સામે ઉભી હતી. આજે પણ મને લાગે છે કે હું વધુ શીખવા માટે ભૂખી છું." તેણે તેના ચાહકોનો આભાર માનતા કહ્યું કે સિનેમાએ તેને એક વ્યક્તિ તરીકે ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
૩૦ જાન્યુઆરીએ થશે સિનેમાઘરોમાં ધમાકો
અભિરાજ મીનાવાલા દ્વારા નિર્દિષ્ટ અને આયુષ ગુપ્તા દ્વારા લિખિત 'મર્દાની 3' આગામી ૩૦ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. અગાઉના બંને ભાગમાં તાહિર રાજ ભસીન અને વિશાલ જેઠવા જેવા કલાકારોએ વિલન તરીકે ધૂમ મચાવી હતી, ત્યારે હવે મલ્લિકા પ્રસાદ અને રાની વચ્ચેનો જંગ કેવો રહેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
