'ડોન'ના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર: રણવીર સિંહના એક્ઝિટ બાદ ફરી કિંગ ખાનની એન્ટ્રી? શાહરૂખે 'ડોન 3' માટે મૂકી આકરી શરત!
ફરહાન અખ્તર સાથે ફરી હાથ મિલાવવા તૈયાર છે 'બાદશાહ', પણ ડાયરેક્ટરની ખુરશી પર જોઈએ 'જવાન'નો આ માસ્ટર માઈન્ડ; જાણો શું છે આખું ગણિત

મુંબઈ : બોલિવૂડના કોરિડોરમાં અત્યારે એક જ વાતની ચર્ચા છે - "ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ!" અને આ વાત ફરી એકવાર સાચી સાબિત થઈ રહી છે. રણવીર સિંહના 'ડોન 3' માંથી અચાનક બહાર નીકળી ગયા બાદ હવે એવા અહેવાલો વહેતા થયા છે કે અસલી 'ડોન' એટલે કે શાહરૂખ ખાન આ ફ્રેન્ચાઇઝમાં ધમાકેદાર વાપસી કરી શકે છે. જોકે, કિંગ ખાને આ ફિલ્મમાં પાછા ફરવા માટે એક એવી શરત મૂકી છે જેણે પ્રોડ્યુસર્સને વિચારતા કરી દીધા છે.
એટલી આવશે તો જ 'ડોન' આવશે!
અહેવાલો મુજબ, શાહરૂખ ખાન 'ડોન 3' માં પોતાની આઇકોનિક ભૂમિકા ફરી ભજવવા માટે તૈયાર છે, પરંતુ તે ઈચ્છે છે કે 'જવાન' ફેમ ડિરેક્ટર એટલીને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવે. શાહરૂખનું માનવું છે કે ફિલ્મને ગ્લોબલ લેવલ પર લાર્જર ધેન લાઈફ બનાવવા માટે એટલીની સ્ટાઈલ અનિવાર્ય છે. જો ફરહાન અખ્તર અને એટલીની જોડી જામશે, તો જ શાહરૂખ 'ડોન' ના શૂઝમાં ફરી પગ મૂકશે.
રણવીર સિંહે કેમ છોડ્યો સાથ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' ની સફળતા બાદ રણવીર સિંહની પસંદગીઓ બદલાઈ ગઈ છે. તે અત્યારે બેક-ટુ-બેક ગેંગસ્ટર ફિલ્મો કરવા માંગતો નથી. આ સિવાય, તે સંજય લીલા ભણસાલી અને લોકેશ કનાગરાજ જેવા દિગ્ગજો સાથે કામ કરવા વધુ આતુર છે, જેના કારણે તેણે 'ડોન 3' ને અલવિદા કહી દીધું છે.
સ્ટાર કાસ્ટમાં પણ થઈ શકે છે મોટો ફેરફાર
માત્ર હીરો જ નહીં, હીરોઈનને લઈને પણ અટકળો તેજ છે. અગાઉ કિયારા અડવાણીનું નામ નક્કી મનાતું હતું, પરંતુ હવે ચર્ચા છે કે કૃતિ સેનન તેની જગ્યા લઈ શકે છે. બીજી તરફ, વિલનની ભૂમિકા માટે વિક્રાંત મેસી અને વિજય દેવરકોંડા જેવા સ્ટાર્સે 'નો' કહી દીધું છે, કારણ કે તેમને પાત્રમાં ખાસ દમ દેખાયો નહોતો.
હવે જોવાનું એ રહેશે કે શું ફરહાન અખ્તર શાહરૂખની 'એટલી' વાળી શરત માની લેશે? જો આવું થશે, તો બોલિવૂડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો જોવા મળી શકે છે.
