‘હોમબાઉન્ડ‘ બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની રેસમાંથી બહાર
ઓસ્કર ૨૦૨૬ના નોમિનેશનની જાહેરાત : આ ફિલ્મ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પત્રકાર બશરત પીરના ૨૦૨૦ ના લેખ પર આધારિત છે

ન્યુયોર્ક,તા.૨૩: ઓસ્કર ૨૦૨૬ ના નોમિનેશનની આજે ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જાહેરાત કરવામાં આવી છે. આખી દુનિયાની સાથે ભારત પણ આ નોમિનેશન પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યું હતું, પરંતુ આ વખતે ભારતને નિરાશા મળી હોવાના સમાચાર આવ્યા છે. ભારતની સત્તાવાર એન્ટ્રી, ‘હોમબાઉન્ડ‘, બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી રેસમાં હતી પણ તે નામાંકિત ન થઈ ૯૮મા ઍકેડેમી એવોર્ડ્સ માટે નામાંકન ૨૨ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. ઑસ્કર સમારોહ ૧૫ માર્ચ, ૨૦૨૬ના રોજ યોજાશે. આ વર્ષે, ‘ફ્રેન્કેસ્ટાઇન, સિનર્સ‘ અને ‘વન બેટલ આફટર અધર‘ ને સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા.
બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ‘હોમબાઉન્ડ‘ માટે ભારતને ઘણી આશા હતી, પરંતુ ફિલ્મ અંતિમ નોમિનેશન યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ. વધુમાં, ‘કાંતારા ચેપ્ટર ૧,' ‘તન્વી ધ ગ્રેટ,' ‘મહાવતાર નરસિહા,' અને ‘ટુરિસ્ટ ફેમિલી' જેવી ભારતીય ફિલ્મોને પણ કોઈપણ કેટેગરીમાં નોમિનેશન મળ્યા નથી. આ કેટેગરીમાં નામાંકિત ફિલ્મોમાં બ્રાઝિલની ‘ધ સિક્રેટ એજન્ટ,' ફ્રાન્સની ‘ઇટ વોઝ જસ્ટ એન ઍક્સિડેન્ટ,' નોર્વેની ‘સેન્ટિમેન્ટલ વેલ્યુઝ,' સ્પેનની ‘સિરાટ' અને ટ્યુનિશિયાની ‘ધ વોઇસ ઓફ હિન્દ રજબ'નો સમાવેશ થાય છે.
‘હોમબાઉન્ડ' બહાર થયા પછી, બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્થાન મેળવવા માટે ભારતની લાંબી રાહ ચાલુ છે. આ કેટેગરીમાં છેલ્લી ભારતીય ફિલ્મ ૨૦૦૨માં ‘લગાન' નામાંકિત થઈ હતી.
‘હોમબાઉન્ડ' કરણ જોહર, અપૂર્વ મહેતા અને આદર પૂનાવાલા દ્વારા ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન નીરજ ઘાયવાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પત્રકાર બશરત પીરના ૨૦૨૦ના લેખ પર આધારિત છે. આ ફિલ્મમાં વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાホવી કપૂર અભિનીત છે. આ વાર્તા બે મિત્રો, શોએબ અને ચંદનની આસપાસ ફરે છે, જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંથી આવે છે. કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન, તેઓ પોતાની આજીવિકા ગુમાવે છે અને ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આ ફિલ્મ સામાજિક અસમાનતા, આર્થિક કટોકટી અને સંઘર્ષને દર્શાવે છે.
‘હોમબાઉન્ડ' ફિલ્મ ૨૦૨૫ ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ‘અન સર્ટેન રિગાર્ડ' વિભાગમાં પ્રીમિયર થઈ હતી, જ્યાં તેને ક્રિટિક્સની ભરપૂર પ્રશંસા મળી હતી. તે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઈ હતી, જ્યાં તેને ઇન્ટરનેશનલ ઓડિયન્સ ચોઇસ ઍવોર્ડ માટે બીજા ક્રમે સ્થાન મળ્યું હતું. આમ છતાં, ભારતે હજી સુધી ૨૦૨૬ ના ઑસ્કર માટે નોમિનેશન મેળવ્યું નથી.
