સની દેઓલ સ્ટારર ફિલ્મ 'બોર્ડર 2' એ સિનેમાઘરોમાં સુનામી લાવી : માત્ર બે દિવસમાં ₹66.5 કરોડનું કલેક્શન કરી લીધું : રણવીર સિંહની 'ધુરંધર'નો રેકોર્ડ તોડ્યો
સની દેઓલના લાંબા કરિયરમાં 'બોર્ડર 2' અત્યારથી જ તેની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ : 'યમલા પગલા દીવાના' અને 'સિંહ સાહબ ધ ગ્રેટ' જેવી ફિલ્મોને પાછળ પાડી દીધી : હવે તેનું લક્ષ્ય 'ગદર 2' અને 'જાટ' જેવી ફિલ્મોના રેકોર્ડ્સ તરફ

મુંબઈ તા.૨૫ : સની દેઓલ સ્ટારર ફિલ્મ 'બોર્ડર 2' હાલમાં સિનેમાઘરોમાં સુનામી લાવી રહી છે. 1997ની આઇકોનિક ફિલ્મની આ સિક્વલ જોવા માટે ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મને માત્ર સકારાત્મક સમીક્ષાઓ જ નથી મળી, પરંતુ બોક્સ ઓફિસ પર પણ તેણે ધમાકેદાર શરૂઆત કરી છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે માત્ર બે દિવસમાં ₹66.5 કરોડનું કલેક્શન કરી લીધું છે.
ચાલો જાણીએ 'બોર્ડર 2' એ બનાવેલા પાંચ મોટા રેકોર્ડ્સ વિશે:
1. 2026ની સૌથી મોટી ઓપનર ફિલ્મ
'બોર્ડર 2' એ પહેલા દિવસે ₹30 કરોડની કમાણી સાથે 2026ની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે આ વર્ષની અન્ય ફિલ્મો જેવી કે 'ઇક્કિસ' (₹7 કરોડ), 'હેપ્પી પટેલ' (₹1.25 કરોડ) અને 'રાહુ કેતુ' (₹1 કરોડ) ને ઘણી પાછળ છોડી દીધી છે.
2. 2026ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ
રિલીઝના માત્ર બે જ દિવસમાં આ ફિલ્મે આ વર્ષની અત્યાર સુધીની તમામ હિન્દી ફિલ્મોના કુલ કલેક્શનને માત આપી દીધી છે. 'ઇક્કિસ' જેવી ફિલ્મોના વર્લ્ડવાઈડ કલેક્શનને પણ 'બોર્ડર 2' એ તેના શરૂઆતના વીકેન્ડમાં જ વટાવી દીધું છે.
3. રણવીર સિંહની 'ધુરંધર'નો રેકોર્ડ તોડ્યો
વર્ષ 2025ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' એ તેના પહેલા બે દિવસમાં ₹60 કરોડ કમાયા હતા. 'બોર્ડર 2' એ ₹66.5 કરોડ કલેક્ટ કરીને રણવીર સિંહની આ ફિલ્મનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
4. મૂળ 'બોર્ડર'નું લાઈફટાઈમ કલેક્શન વટાવી ગયું
1997માં રિલીઝ થયેલી મૂળ 'બોર્ડર' ફિલ્મે તે સમયે કુલ ₹39.3 કરોડની કમાણી કરી હતી. 'બોર્ડર 2' એ આ આંકડો માત્ર બે દિવસમાં જ પાર કરી લીધો છે, જે તેની અદભૂત સફળતા દર્શાવે છે.
5. સની દેઓલની ચોથી સૌથી મોટી હિટ
સની દેઓલના લાંબા કરિયરમાં 'બોર્ડર 2' અત્યારથી જ તેની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે 'યમલા પગલા દીવાના' અને 'સિંહ સાહબ ધ ગ્રેટ' જેવી ફિલ્મોને પાછળ પાડી દીધી છે. હવે તેનું લક્ષ્ય 'ગદર 2' અને 'જાટ' જેવી ફિલ્મોના રેકોર્ડ્સ તરફ છે.
