<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 26th January 2026

થિયેટરમાં 'ભારત માતા કી જય'ના નારા અને બહાર ઉભેલા 'તારા સિંહ': સની દેઓલે ચાહકોને આપ્યું એવું સરપ્રાઈઝ કે ફેન્સ ગદગદ થઈ ગયા!

29 વર્ષનો ઈન્તજાર અને બોક્સ ઓફિસ પર સુનામી: થિયેટરના દરવાજે ઉભા રહી સની દેઓલે ગુપ્ત રીતે નિહાળ્યો દર્શકોનો ઉત્સાહ: માત્ર 3 દિવસમાં 100 કરોડ પાર કરીને 'બોર્ડર 2' એ રચ્યો નવો ઈતિહાસ

મુંબઈ:  બોલિવૂડના અસલી એક્શન કિંગ સની દેઓલ અત્યારે સાતમા આસમાને છે. તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' એ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધા છે. રવિવારે સાંજે મુંબઈના આઇકોનિક 'ગેટી ગેલેક્સી' થિયેટરમાં એક એવો નજારો જોવા મળ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે અંદર દર્શકો ફિલ્મનો ક્લાઈમેક્સ જોઈને "ભારત માતા કી જય" ના ગગનભેદી નારા લગાવી રહ્યા હતા, ત્યારે સની પાજી સફેદ શર્ટ અને ટોપી પહેરીને ચૂપચાપ થિયેટરના દરવાજા પાસે ઉભા રહીને આ પ્રેમનો આનંદ માણી રહ્યા હતા. પોતાના કામ પ્રત્યેનો આ લગાવ અને ચાહકોનો જબરો ઉત્સાહ જોઈ સની દેઓલ ભાવુક થતા જોવા મળ્યા હતા.

આ ખાસ પળોમાં તેમની સાથે સુનિલ શેટ્ટીના પુત્ર અને ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અહાન શેટ્ટી પણ હાજર હતા. જેવી ફિલ્મ પૂરી થઈ અને દર્શકો બહાર આવ્યા, ત્યારે સની દેઓલ અને અહાનને પોતાની નજર સામે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભીડ સની પાજીની એક ઝલક મેળવવા માટે બેકાબૂ બની હતી, પરંતુ સનીએ પોતાની કારમાંથી હાથ હલાવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. અહાન શેટ્ટીએ આ પળોના વીડિયો શેર કરતા દેશવાસીઓનો આભાર માન્યો અને લખ્યું કે, "આટલો પ્રેમ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું છે, જય હિંદ!"

કમાણીના મામલામાં 'બોર્ડર 2' કોઈ સુનામીથી ઓછી નથી. ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 121 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારે 54.5 કરોડની ઐતિહાસિક કમાણી બાદ આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે તો ફિલ્મ જાણે અટકવાનું નામ નથી લઈ રહી. સાંજ સુધીમાં જ ફિલ્મે 31 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને એવી અટકળો છે કે આજે રાત સુધીમાં આ આંકડો 50 કરોડ સુધી પહોંચી શકે છે. જો આવું થશે, તો 'બોર્ડર 2' વર્ષ 2026 ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થશે.

(7:40 PM IST)