‘બોર્ડર-૨'નો બોક્સ ઓફિસ પર ધમાકોઃ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થવા તરફ
ધૂમ-૩, ટાગર-૩, આરઆરઆરના રેકોર્ડ તોડયા

મુંબઇ તા. ૨૮: સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોર્ડર ૨' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પાંચમા દિવસે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, જોકે કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં, ફિલ્મ હવે ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થવાથી માત્ર એક ડગલું જ દૂર છે.
પાંચ દિવસના કલેકશન પર નજર કરીએ તો રિલીઝના માત્ર ૪ દિવસમાં ૧૮૦ કરોડનો આંકડો પાર કરનાર આ ફિલ્મે પાંચમા દિવસે (મંગળવારે) પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલા દિવસે ૩૦ કરોડ, બીજા દિવસે ૩૬.૫ કરોડ, ત્રીજા દિવસે ૫૪.૫ કરોડ, ચોથા દિવસે ૫૯ કરોડની કમાણી કર્યા બાદ મંગળવારે પાંચમા દિવસે ૧૯.૫૦ કરોડની કમાણી સાથે કુલ કલેકશન ૧૯૬.૫૦ કરોડ આસપાસ પહોંચ્યું છે. બસ્સો કરોડની ક્લબમાં આ ફિલ્મ સામેલ થવા તરફ આગળ વધી છે. જો કે બોર્ડર-૨ પાંચમા દિવસ ધૂરંધર ફિલ્મનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે. ધૂરંધરએ તેના પાંચમા દિવસે ૨૭ કરોડની કમાણી કરી હતી, જ્યારે બોર્ડર-૨ પાંચમા દિવસે ૧૯.૫૦ કરોડ પર અટકી ગઈ હતી. આ ફિલ્મે પાંચમા દિવસની કમાણીના મામલે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે ધૂમ ૩, પીકે, ટાઈગર ૩ અને આરઆરઆરને મ્હાત આપી છે. ફિલ્મની સફળતા પાછળનું મુખ્ય કારણ તેની મજબુત પટકથા અને દેશભક્તિનો જુસ્સો છે.
૨૭ વર્ષ બાદ આવેલી આ સિક્વલે દર્શકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. ખાસ કરીને યુવા વર્ગમાં વોર ડ્રામા અને આધુનિક ટેકનોલોજી સાથે ફિલ્માવાયેલા એક્શન સીન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રેડ એનાલિટિસ્ટ્સના મતે જે રીતે આ ફિલ્મ આગળ વધી રહી છે, તે જોતા ટૂંક સમયમાં જ તે ૩૦૦ કરોડના આંકડાને સ્પર્શી શકે છે. ફિલ્મમાં જોવા મળતા વોર સીન્સ અને સની દેઓલની દમદાર એક્ટિંગના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં સની દેઓલ, વરૂણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી, સોનમ બાજવા, મોનાસિંઘ, પરમવીર ચીમા સહિતના કલાકારોએ અભિનય કર્યો છે.
