<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 29th January 2026

૨૬ જૂને વેલકમ ટુ ધ જંગલ-૩ જુલાઈએ ધમાલ ૪ રિલીઝ

ઓડિયન્‍સ માટે કોમેડીનો ડબલ ડોઝ : ધુરંધર ૨ અને ટોક્‍સિક સાથે ટક્કર ટાળવા અજય દેવગણ રિતેશ દેશમુખની ધમાલ ૪ નવી રિલીઝ ડેટ જાહેર

મુંબઈ,તા.૨૯: અજય દેવગણ, રિતેશ દેશમુખ અને અર્શદ વારસી અભિનિત કોમેડી ફિલ્‍મ ધમાલ ૪ની રિલીઝ ડેટ ફરી એકવાર બદલાઈ છે. નિર્માતાઓએ ફિલ્‍મને ધુરંધર ૨ અને યશની ટોક્‍સિક સાથે બોક્‍સ ઓફિસ ટક્કર ટાળવાના હેતુથી આ નિર્ણય લીધો છે. હવે ધમાલ ૪ ફિલ્‍મ ૧૯ માર્ચના બદલે ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે. ૨૭ તારીખે ફિલ્‍મના મેકર્સ દ્વારા નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

મંગળવારે ફિલ્‍મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર નવી પોસ્‍ટ શેર કરી અને રિલીઝ ડેટમાં થયેલા ફેરફારની જાહેરાત કરી. પોસ્‍ટ સાથે કેટલીક તસવીરો પણ મૂકવામાં આવી હતી, જેમાં લખ્‍યું હતું ‘‘જ્‍યારે અફરાતફરી કોમેડી એકબીજાને મળે, ત્‍યારે સમજવું કે ધમાલનો સમય આવી ગયો છે! નિર્માતાઓએ અલ્‍ટિમેટ ફેમિલી એન્‍ટરટેનરને ૩ જુલાઈ, ૨૦૨૬ના દિવસે થિએટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.''

આ તસવીરોમાં ફિલ્‍મના મુખ્‍ય કલાકારો અજય દેવગણ, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, સંજય મિશ્રા અને જાવેદ જાફરી સાથે દિગ્‍દર્શક ઇન્‍દ્ર કુમાર પણ જોવા મળે છે. આ ઉપરાંત ધમાલ ૪માં ઇશા ગુપ્તા, સંજીદા શેખ, અંજાલિ આનંદ, ઉપેન્‍દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ મહત્‍વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્‍મ દેવગણ ફિલ્‍મ્‍સ, ટી-સીરીઝ ફિલ્‍મ્‍સ, મારુતિ ઇન્‍ટરનેશનલ અને પેનોરમા સ્‍ટુડિયોના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્‍મ ગુલશન કુમાર અને ટી-સીરીઝ ફિલ્‍મ્‍સના સહયોગથી તૈયાર થઈ રહી છે.

આ સાથે જ વેલકમ ટુ ધ જંગલની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવાઈ છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને રવિના ટંડનની ફિલ્‍મ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઘણા વિલંબ બાદ, અહેમદ ખાને ડિરેક્‍ટ કરેલી આ મલ્‍ટી-સ્‍ટારર ફિલ્‍મ વેલકમ ટુ ધ જંગલને આખરે રિલીઝ ડેટ મળી ગઈ છે. ટ્રેડ એનાલિસ્‍ટ તરણ આદર્શના જણાવ્‍યા અનુસાર, આ ફિલ્‍મ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્‍ચાઇઝીઓમાંની એક તરીકે ઓળખાતી આ ફિલ્‍મ અંગે દર્શકો લાંબા સમયથી ઉત્‍સુક છે. ટ્‍વિટર પર પોસ્‍ટ કરતાં તરણ આદર્શે લખ્‍યું હતું, ‘‘સૌથી મોટી કોમેડી ફ્રેન્‍ચાઇઝી ફરી આવી રહી છે  ‘વેલકમ ટુ ધ જંગલ' ૨૬ જૂન ૨૦૨૬ના રોજ રિલીઝ થશે... વેલકમ ફ્રેન્‍ચાઇઝીની ત્રીજી ફિલ્‍મ, ૨૬ જૂન ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે.''

વેલકમ ટુ ધ જંગલમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ, રવિના ટંડન, દિશા પટાણી, જેક્‍લિન ફર્નાન્‍ડિઝ, અર્શદ વારસી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, જોની લિવર, આફતાબ શિવદાસાની, લારા દત્તા, શ્રેયસ તલપદે, તુષાર કપૂર અને દલેર મહેંદી જેવા દમદાર કલાકારોની મોટી ટીમ જોવા મળશે.

એક ઇન્‍ટરવ્‍યુમાં ફિલ્‍મના ડિરેક્‍ટર અહેમદ ખાને જણાવ્‍યું કે આ ફિલ્‍મ ડાર્ક સિટ્‍યુએશનલ કોમેડી છે, ‘‘આ સીધી સાદી કોમેડી નથી. પ્રોડ્‍યુસર હંમેશાં કહે છે કે આપણે કોમેડી ફિલ્‍મ નથી બનાવવી. ફિરોઝ નડિયાદવાલાને ડાર્ક હ્યુમર અને સિટ્‍યુએશનલ હ્યુમરમાં વિશ્વાસ છે. આ ગંભીર સિનેમા છે, સ્‍લેપસ્‍ટિક કે સામાન્‍ય કોમેડી નહીં.''

અહમદ ખાને વધુમાં ઉમેર્યું કે, ‘‘જો દર્શકો અવાજ બંધ કરીને ફિલ્‍મ જુએ તો તેમને આ ફિલ્‍મ એક ગંભીર ફિલ્‍મ જેવી લાગશે. પણ અવાજ ચાલુ કરતાં જ સમજાશે કે તમે મૂર્ખતાભરેલી વાતો સાંભળી રહ્યા છો. ફિલ્‍મમાં ભરપૂર એક્‍શન છે અને તેનો સ્‍કેલ પણ બહુ મોટો છે.'' ફિલ્‍મમાં થયેલા અનેક ડિલે અંગે પણ અહેમદ ખાને કારણ સમજાવ્‍યું હતું. તેના જણાવ્‍યા અનુસાર, ‘‘જૂન ૨૦૨૫માં કાશ્‍મીરમાં શૂટિગ ન થઈ શકવાના કારણે વિલંબ થયો હતો. કાશ્‍મીર જેવું લાગતું નવું લોકેશન શોધવું મુશ્‍કેલ હતું અને સાથે ૩૬ કલાકારોના શેડ્‍યૂલ્‍સ એકસાથે ગોઠવવા પણ મોટો પડકાર રહ્યો.''

આમ આ બે મોટી કોમેડી ફિલ્‍મ એક પછી એક વેકેશન સમયમાં રિલીઝ થઈ રહી છે, તેથી દર્શકો માટે પણ આ ડબલ બોનાન્‍ઝા ઓફર જેવું બની રહેશે. 

(10:03 AM IST)