સિનેમા જગતમાં મહાવિસ્ફોટ : 'થલાઈવા' અને 'કિંગ ખાન' એક જ સ્ક્રીન પર હશે: બે દિગ્ગજોનું ઐતિહાસિક મિલન
ફિલ્મ 'જેલર 2' માં શાહરૂખ ખાન રજનીકાંતના અત્યંત ખાસ મિત્રના પાત્રમાં જોવા મળશે: વર્સેટાઈલ એક્ટર વિજય સેતુપતિ પણ મહત્વની ભૂમિકામાં

બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની કોઈ ફિલ્મ આવવાની હોય અને ચાહકોમાં ઉત્સાહ ન હોય તેવું ભાગ્યે જ બને. પરંતુ આ વખતે ઉત્સાહ બેવડાયો છે કારણ કે કિંગ ખાન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ 'જેલર 2' માં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. હા, જે સમાચારની અટકળો ચાલી રહી હતી તે હવે લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો રોલ કેવો હશે.
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, આવનારી ફિલ્મ 'જેલર 2' માં શાહરૂખ ખાન રજનીકાંતના અત્યંત ખાસ મિત્રના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા મુજબ, રજનીકાંત આ પાત્ર પર આંધળો વિશ્વાસ કરે છે. જોકે, ચાહકોએ નોંધવું જોઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ કેમિયો રોલમાં જોવા મળશે. ભલે તેમનો સ્ક્રીન ટાઈમ થોડી મિનિટોનો હોય, પરંતુ તે વાર્તામાં મોટો વળાંક લાવશે.
રજનીકાંતની ફિલ્મ 'જેલર 2' ને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ ફિલ્મમાં રજનીકાંત અને શાહરૂખ ખાન ઉપરાંત વર્સેટાઈલ એક્ટર વિજય સેતુપતિ પણ મહત્વની ભૂમિકામાં છે. હોલીવુડ રિપોટર સાથેની વાતચીતમાં વિજય સેતુપતિએ ખુલાસો કર્યો હતો કે શાહરૂખ ખાન પણ આ પ્રોજેક્ટનો એક ભાગ છે.
તેમણે જણાવ્યું હતું કે શાહરૂખ ખાને રજનીકાંત પ્રત્યેના આદર અને સન્માન ખાતર આ કેમિયો રોલ કરવા માટે હા પાડી છે. બે દિગ્ગજ સુપરસ્ટાર્સને એકસાથે સ્ક્રીન પર જોવા એ દર્શકો માટે કોઈ તહેવારથી ઓછું નથી.
ફિલ્મ 'જેલર 2' નું નિર્દેશન નેલ્સન દિલીપકુમાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પહેલા ભાગ 'જેલર'નું નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું, જેણે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. હવે સિક્વલમાં શાહરૂખ ખાનના જોડાવાથી ફિલ્મનું સ્તર અનેકગણું ઊંચું જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
