હસવા માટે તૈયાર થઈ જાઓ! 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સીઝન 5 સાથે ધમાકેદાર વાપસી કરશે
નવજોત સિંહ સિદ્ધુ અને સુનીલ ગ્રોવર સહિતની આખી ટોળકી નેટફ્લિક્સ પર મચાવશે ધૂમ; નવી સીઝનમાં જોવા મળશે ડબલ મજા

મુંબઈ: કોમેડીના બાદશાહ કપિલ શર્મા અને તેની અતરંગી ટીમ ફરી એકવાર તમારા ડ્રોઈંગ રૂમમાં હાસ્યના ફુવારા છોડવા તૈયાર છે. ચાર સફળ સીઝન બાદ, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' હવે તેની પાંચમી સીઝન સાથે નેટફ્લિક્સ પર પરત ફરી રહ્યો છે. સૌથી રોમાંચક વાત એ છે કે આ વખતે પણ શોમાં કપિલની સાથે અર્ચના પૂરણ સિંહ, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને ચાહકોના ફેવરિટ નવજોત સિંહ સિદ્ધુની જુગલબંધી જોવા મળશે.
વૈશ્વિક સ્તરે છવાયો કપિલનો જાદુ:
શોની ટીમે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, નેટફ્લિક્સ સાથેની ભાગીદારીને કારણે ભારતીય કોમેડી હવે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચી છે. નવી સીઝનમાં શોનું પરિચિત ફોર્મેટ તો રહેશે જ, પરંતુ સાથે કેટલાક નવા સેગમેન્ટ્સ અને અવિસ્મરણીય વાતચીતો પણ ઉમેરવામાં આવશે. ટીમે આ પ્રવાસ માટે દર્શકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
સીઝન 4 માં વિજય સેથુપતિએ જમાવી મહેફિલ:
જ્યારે નવી સીઝનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ચાલુ સીઝન-4 ના લેટેસ્ટ પ્રોમોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતિ અને દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન શોના મહેમાન બન્યા હતા. કપિલે જ્યારે સેથુપતિને તેમની કારકિર્દી વિશે પૂછ્યું, ત્યારે અભિનેતાએ મજાકમાં કહ્યું કે, "મેં મારું બેંક એકાઉન્ટ ચેક કર્યું, પૈસા નહોતા એટલે મારે એકાઉન્ટન્ટ છોડીને એક્ટિંગમાં આવવું પડ્યું!" સેથુપતિના આ જવાબથી આખો સેટ હાસ્યથી ગુંજી ઉઠ્યો હતો.
ગ્લેમર, ગપસપ અને ગલીપચીથી ભરપૂર આ શોની પાંચમી સીઝન ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાની છે, જેની તારીખની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
