૫૦ની ઉંમરે લિસા રેનો નવો અવતાર: "બીચ બોડી એટલે માત્ર લાલ સ્વિમસ્યુટ નથી, આઝાદી છે!"
ફિલ્મી ગ્લેમર અને અશક્ય સૌંદર્ય ધોરણોને લિસાએ બતાવ્યો અરીસો; સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે વાહ-વાહી

મુંબઈ: ગ્લેમર વર્લ્ડમાં અભિનેત્રીઓ પર હંમેશા સુંદર અને પરફેક્ટ દેખાવાનું ભારે દબાણ હોય છે, પરંતુ ૫૦ વર્ષની લિસા રેએ આ માનસિકતાને પાયામાંથી હચમચાવી દીધી છે. બુધવારે ઇન્સ્ટાગ્રામ પર બીચ પરથી પોતાના કુદરતી લુકના ફોટા શેર કરીને લિસાએ સ્પષ્ટ કર્યું છે કે હવે તેને કોઈની મંજૂરીની જરૂર નથી, તેના માટે પોતાની 'સ્વતંત્રતા' જ સાચું સૌંદર્ય છે.
૧૯૯૧ની એ 'રેડ' ઈમેજ અને આજની વાસ્તવિકતા
લિસા રેએ જૂની યાદો તાજી કરતા લખ્યું કે, "એક સમય હતો જ્યારે ૧૯૯૧ના ગ્લેડરેગ્સ કવરના કારણે લોકોના મનમાં મારી છબી લાલ સ્વિમસ્યુટ અને લાલ લિપસ્ટિકવાળી 'પરફેક્ટ' ગર્લની બની ગઈ હતી. મેં તેના પર જ મારી કારકિર્દી બનાવી. પરંતુ આજે સમય બદલાયો છે. મારું શરીર બદલાયું છે, મેં ગંભીર બીમારીઓ સામે જંગ જીત્યો છે અને મારી જાતને ફરીથી બેઠી કરી છે. હવે મને બીજાના અભિપ્રાય કરતા મારી આ સાચી ઓળખમાં વધુ આરામ મળે છે."
પામેલા એન્ડરસનનો આપ્યો હવાલો
પોતાની વાતને મજબૂતી આપતા લિસાએ હોલીવુડ સ્ટાર પામેલા એન્ડરસનનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે પામેલાને પણ એક સમયે માત્ર ગ્લેમરનું પ્રતીક માનવામાં આવતી હતી, પરંતુ આજે તેણે એ તમામ સાંકળો તોડી નાખી છે. લિસાએ ઉમેર્યું કે, "મને મેકઅપ કે શૂટિંગ માટે તૈયાર થવામાં વાંધો નથી, પણ બીચ પર તો હું જેવી છું તેવી જ, એટલે કે કુદરતી રહેવા માંગુ છું."
ત્વચા પરના ડાઘ એ નબળાઈ નથી
ભૂતકાળની ભૂલો અને જીવનના અનુભવો વિશે વાત કરતા લિસાએ કબૂલ્યું કે ૯૦ના દાયકામાં સનસ્ક્રીનનો ઉપયોગ સામાન્ય નહોતો, જેના કારણે તડકામાં તેની ત્વચાને નુકસાન થયું છે. લિસા કહે છે, "આજે મારી ત્વચા પર એ અસરો દેખાય છે, પણ તે કોઈ નબળાઈ નથી. તે મારા જીવનના સફરનો એક ભાગ છે અને હું તેની સાથે સંપૂર્ણપણે આરામદાયક છું."
લિસા રેની આ પોસ્ટ તે તમામ મહિલાઓ માટે એક સંદેશ છે જેઓ વધતી ઉંમર અને બદલાતા શરીરને કારણે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
