બાળકોને ફોન-ઇન્ટરનેટ નહીં, પ્રેમ આપો... બાળપણમાં સાચા માર્ગદર્શનની જરૂર
ગાઝિયાબાદની ૩ બહેનોના મોતથી સોનુ સૂદ હચમચી ગયોઃ સરકાર અને વાલીઓને કરી મોટી અપીલ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવીને બાળકોના ડિજિટલ એક્સપોઝર પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી

મુંબઇ તા.૫: ગાઝિયાબાદમાં ત્રણ સગી બહેનોએ નવમા માળેથી કૂદીને જીવ આપ્યાના સમાચારથી આખો દેશ હચમચી ગયો છે. આ કરુણ ઘટના પર બોલિવૂડ એક્ટર સોનુ સૂદનું દિલ પણ દ્રવી ઉઠ્યું છે અને તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સોનુ સૂદે એક પોસ્ટ શેર કરીને સરકાર અને વાલીઓને કડક પગલાં લેવાની અપીલ કરી છે. તેનું માનવું છે કે, ઇન્ટરનેટની દુનિયા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહી છે, જેને સમયસર નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી છે.
સોનુ સૂદે બુધવારે ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરીને ફરી એકવાર બાળકોની સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો હતો. તેણે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિગ પર કડક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એક્ટરે લખ્યું હતું કે, આજે ગાઝિયાબાદમાં ત્રણ નાની બાળકીઓએ જીવ ગુમાવ્યો. ન તો હિસાથી, ન ગરીબીથી, પરંતુ આ બાળકીઓ ઓનલાઈન ગેમિગ અને ડિજિટલ લતના દબાણનો શિકાર બની ગઈ હતી.
તેણે આગળ લખ્યું હતું કે, હું આ મુદ્દે પહેલા પણ બોલી ચૂક્યો છું અને, આજે ફરી કહી રહ્યો છું કે, ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિગ પર રોક લગાવવી જોઈએ. માત્ર અભ્યાસને લગતા વપરાશ સિવાય બાકીનું બધું બંધ થવું જોઈએ. એક્ટરે એમ પણ ઉમેર્યું કે, બાળકોને તેમના બાળપણમાં માર્ગદર્શન જોઈએ, અલ્ગોરિધમ નહીં. તેણે લખ્યું હતું કે, બાળકોને પ્રેમ અને સંભાળવાની જરૂર છે, સતત સ્ક્રીનની નહીં.
સોનુ સૂદનું માનવું છે કે, બાળકો માટે ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત હોવો જોઈએ અને, આ માટે નવો કાયદો બનવો જોઈએ. નોટના અંતમાં અભિનેતાએ લખ્યું હતું કે, આ કોઈના પર આરોપ લગાવવાની વાત નથી, આ બાળકોને બચાવવાની વાત છે. જો અત્યારે પગલાં નહીં લેવાય તો બહુ મોડું થઈ જશે. આ ઘટના માત્ર સમાચાર બનીને ન રહી જાય. હવે કંઈક કરવાનો સમય છે. આ સિવાય સોનુ સૂદે પોતાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિગથી દૂર રાખવા જોઈએ.
સોનુ સૂદે અગાઉ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો, ત્યારે પણ સોનુએ તેનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત જેવા વિશાળ દેશમાં, જ્યાં ઈન્ટરનેટનો વપરાશ ખૂબ જ ઝડપથી વધ્યો છે, ત્યાં આવા કાયદાની તાતી જરૂરિયાત છે. જો આપણે આજે કડક પગલાં નહીં લઈએ, તો આપણી આવનારી પેઢી ડિજિટલ દુનિયાના અંધકારમાં ખોવાઈ જશે
