બોલિવૂડના ‘ગુરુ’નો જન્મદિવસ: રિતેશ દેશમુખે અભિષેક બચ્ચન માટે દિલ ખોલીને ઠાલવ્યો પ્રેમ
“શબ્દો ઓછા પડે તેવો છે આપણો સંબંધ”, રિતેશે ખાસ વીડિયો શેર કરી પાઠવી શુભેચ્છા; વર્ષ 2026માં અભિષેક ધમાકેદાર ફિલ્મો સાથે મોટા પડદા પર દેખાશે

મુંબઈ, તા. 6: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અભિષેક બચ્ચન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ ખાસ અવસરે અભિષેકના અંગત મિત્ર અને અભિનેતા રિતેશ દેશમુખે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી છે. રિતેશે ઇન્સ્ટાગ્રામ પર બંનેની મિત્રતાની પળોનો એક સુંદર વીડિયો શેર કરતા લખ્યું કે, "પ્રિય અભિષેક, તું મારા માટે કેટલો ખાસ છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તું હંમેશા મારા માટે મોટા ભાઈ સમાન રહ્યો છે."
રિતેશ ઉપરાંત અજય દેવગણ, જેકી શ્રોફ અને અન્ય ઘણા સ્ટાર્સે પણ અભિષેકની જૂની તસવીરો શેર કરીને તેને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. અભિષેક બચ્ચને તેની કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ અને ટીકાઓનો સામનો કર્યો છે, પરંતુ 'ગુરુ', 'યુવા' અને 'ધૂમ' જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય આપીને તેણે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
આગામી ફિલ્મોથી મચાવશે ધૂમ
અભિષેક બચ્ચન માટે વર્ષ 2026 અત્યંત મહત્વનું સાબિત થવાનું છે. તે રિતેશ દેશમુખ દ્વારા દિગ્દર્શિત ભવ્ય ઐતિહાસિક ફિલ્મ 'રાજા શિવાજી' માં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે, જે 1 મે (મહારાષ્ટ્ર દિવસ) ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે.
આટલું જ નહીં, વર્ષના અંતે અભિષેક એક ચોંકાવનારા લુકમાં જોવા મળશે. તે શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' માં ખલનાયકની (વિલન) ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તે પહેલીવાર સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. 'કિંગ' ફિલ્મ 24 ડિસેમ્બર, 2026 ના રોજ ક્રિસમસના અવસરે રિલીઝ થવાની છે. અભિષેકના આ નવા અવતારને જોવા માટે અત્યારથી જ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
