વહીદા રહેમાનનો ૮૮મો જન્મદિવસઃ મદ્રાસની છોકરી કેવી રીતે બની ગુરુદત્તની મનપસંદ હિરોઈન?

ચેન્નાઈઃ બોલિવૂડની ક્લાસિક સુંદરતા અને અભિનયના પર્યાય સમાન વહીદા રહેમાન આજે તેમનો ૮૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ૩ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ તમિલનાડુના ચેંગલપટ્ટુમાં જન્મેલા વહીદાજીના પિતા ડિસ્ટ્રિક્ટ કમિશનર હતા. નાનપણથી જ ભરતનાટ્યમમાં નિપુણ વહીદાજી ડોક્ટર બનવા માંગતા હતા, પરંતુ પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળવા તેમણે ફિલ્મોમાં ડગ માંડ્યા.
તેમની ફિલ્મી સફરની શરૂઆત ૧૯૫૫માં તેલુગુ ફિલ્મ 'રોજુલુ મારાઈ' થી થઈ હતી, જેમાં તેમણે માત્ર એક ડાન્સ નંબર કર્યો હતો. આ ફિલ્મના પ્રીમિયર દરમિયાન દિગ્ગજ નિર્માતા-નિર્દેશક ગુરુદત્તની નજર તેમના પર પડી અને તેઓ વહીદાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. ગુરુ દત્તે તેમને મુંબઈ તેડાવ્યા અને ૧૯૫૬માં ફિલ્મ સી.આઈ.ડી. દ્વારા બોલિવૂડમાં લોન્ચ કર્યા.
ગુરુ દત્ત અને વહીદા રહેમાનની જોડીએ પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ અને 'સાહિબ બીબી ઔર ગુલામ' જેવી કલાજયી ફિલ્મો આપી. વહીદાજીએ દેવ આનંદ સાથે ગાઈડ' અને અમિતાભ બચ્ચન સાથે 'રેશ્મા ઔર શેરા' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને વર્ષ ૨૦૨૩માં ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એનાયત કરવામાં આવ્યો હતો. આજે પણ તેઓ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી અને પ્રકૃતિની વચ્ચે રહીને સક્રિય જીવન જીવી રહ્યા છે.
