સની દેઓલ અને અક્ષય ખન્નાની એન્ટ્રીથી OTT પર ખળભળાટ: શું હવે નવા સ્ટાર્સનું અસ્તિત્વ જોખમમાં છે?
મોટા પડદાના સુપરસ્ટાર્સ હવે ડિજિટલ પ્લેટફોર્મને બનાવી રહ્યા છે બોક્સ ઓફિસ; મનોજ બાજપેયીની ‘ઘૂસખોર પંડત’ અને સનીની ‘ઇક્કા’ થી બદલાશે મનોરંજનના સમીકરણો

મુંબઈ :એક સમય હતો જ્યારે OTT પ્લેટફોર્મ એટલે કે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ માત્ર નવા કલાકારો અને અખતરાલક્ષી ફિલ્મો માટેનું સ્થળ ગણાતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. સની દેઓલ, અક્ષય ખન્ના અને મનોજ બાજપેયી જેવા દિગ્ગજો હવે OTT ને પણ ‘મોટા પડદા’ જેવું ભવ્ય બનાવી રહ્યા છે. સની દેઓલ તેની નવી ફિલ્મ ‘ઇક્કા’ (Ikka) દ્વારા ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેમાં તેની સામે વિલન તરીકે અક્ષય ખન્ના જોવા મળશે. આ જોડી 29 વર્ષ પછી ફરી સાથે આવી રહી છે, જે દર્શકો માટે કોઈ મોટી સિનેમેટિક ઈવેન્ટથી ઓછી નથી.
OTT પર અત્યાર સુધી ‘પંચાયત’ અને ‘ગુલક’ જેવી નાની અને સાદી વાર્તાઓનો દબદબો હતો. પરંતુ હવે મોટા બજેટ અને સુપરસ્ટાર્સના આવવાથી પ્લેટફોર્મનો મિજાજ બદલાઈ રહ્યો છે. મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ (અગાઉ બૃહસ્કર પંડિત તરીકે ઓળખાતી) પહેલેથી જ વિવાદો અને ચર્ચામાં છે. સની દેઓલનો લુક ‘ગદર’ અને ‘દામિની’ ની યાદ અપાવે છે, જ્યારે અક્ષય ખન્નાનો અંદાજ તેને ટક્કર આપે તેવો છે. આ મોટા નામોને કારણે OTT હવે માત્ર વેબ સિરીઝનું સાધન નહીં, પણ બોક્સ ઓફિસ પાવરહાઉસ બની રહ્યું છે.
આ પરિવર્તનથી સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે પંકજ ત્રિપાઠી, વિક્રાંત મેસી, જિતેન્દ્ર કુમાર અને હુમા કુરેશી જેવા કલાકારોનું શું થશે? આ એવા સ્ટાર્સ છે જેમને OTT એ ઓળખ આપી છે. જો મોટા પ્રોડક્શન હાઉસ (જેમ કે યશરાજ કે ભણસાલી) માત્ર મોટા સુપરસ્ટાર્સને લઈને જ પ્રોજેક્ટ્સ લાવશે, તો નાની અને અર્થસભર વાર્તાઓ માટે જગ્યા ઓછી થઈ શકે છે. OTT જો ગ્લેમર અને બિઝનેસનું કેન્દ્ર બની જશે, તો નવી પ્રતિભાઓને લાઇમલાઇટમાં આવવા માટે ફરીથી સંઘર્ષ કરવો પડી શકે છે.
કોવિડ કાળમાં શરૂ થયેલો આ ટ્રેન્ડ હવે કાયમી બની રહ્યો છે. અજય દેવગન, શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહા જેવા કલાકારોએ પહેલેથી જ OTT પર સફળતા મેળવી છે. સની દેઓલ અને અક્ષય ખન્નાની ‘ઇક્કા’ એક લીગલ ડ્રામા હશે, જેમાં સની વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કરી રહ્યા છે, જેમને અગાઉ ‘મહારાજ’ જેવી હિટ ફિલ્મો આપી છે.
OTT પ્લેટફોર્મ ભલે સુપરસ્ટાર્સથી ઝગમગી ઉઠે, પણ અસલી કસોટી એ રહેશે કે શું તે પોતાની જૂની મૌલિકતા અને નવા કલાકારોને મળતી તકો જાળવી શકશે કે કેમ ?
