રાજેશ ખન્નાના સુપરસ્ટારડમનો અહંકાર કે મજબૂરી? જે ડાયરેક્ટરે ‘બ્રેક’ આપ્યો તેમણે જ વર્ષો સુધી મોઢું ન ફેરવ્યું!
સતત 7 ફિલ્મો ફ્લોપ ગયા બાદ ધાબા પર ઊભા રહીને રડ્યા હતા ‘કાકા’; અંતે ચેતન આનંદના શરણે પહોંચ્યા અને બની ક્લાસિક ફિલ્મ ‘કુદરત’

મુંબઈ: બોલિવૂડના ઈતિહાસમાં રાજેશ ખન્ના એક એવું નામ છે જેમણે સફળતાના એવા શિખરો જોયા જે આજે પણ ઘણા કલાકારો માટે સપનું છે. પરંતુ, આ સફળતા પાછળ એક દર્દનાક હકીકત પણ છુપાયેલી હતી. તાજેતરમાં દિવંગત ફિલ્મ સર્જક ચેતન આનંદના પુત્ર કેતન આનંદે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે ચેતન આનંદે જ રાજેશ ખન્નાને તેમની પ્રથમ ફિલ્મ ‘આખરી ખત’ દ્વારા બ્રેક આપ્યો હતો, પરંતુ જ્યારે રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યા ત્યારે ચેતન આનંદે તેમની સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
“હું કલાકારો સાથે કામ કરું છું, સ્ટાર્સ સાથે નહીં”
કેતન આનંદે જણાવ્યું કે જ્યારે રાજેશ ખન્નાની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, ત્યારે ઘણા લોકોએ ચેતન આનંદને પૂછ્યું હતું કે તેઓ તેમના જ શોધેલા હીરો સાથે ફિલ્મ કેમ નથી બનાવતા? ત્યારે ચેતન આનંદે બહુ ગંભીર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "હું કલાકારો સાથે કામ કરું છું, સ્ટાર્સ સાથે નહીં. જ્યારે તેને ખરેખર મારી જરૂર પડશે, ત્યારે તે પોતાની મેળે પાછો આવશે." ચેતન આનંદ માનતા હતા કે સફળતાને સંભાળવી એ નિષ્ફળતા કરતા વધુ અઘરું કામ છે.
જ્યારે સતત 7 ફિલ્મો પીટાઈ અને સુપરસ્ટાર ભાંગી પડ્યા
રાજેશ ખન્નાએ પોતે 1990માં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેઓ સફળતાના નશામાં અંધ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, "એક પછી એક સાત ફિલ્મો ફ્લોપ ગઈ હતી. એક રાત્રે અંધારામાં વરસાદ વચ્ચે હું મારા ધાબા પર એકલો ઊભો હતો અને મેં નિયંત્રણ ગુમાવી દીધું હતું. મેં આકાશ તરફ જોઈને બૂમ પાડી હતી કે - હે પ્રભુ, અમારી એટલી આકરી કસોટી ના કર કે અમે તારા અસ્તિત્વનો જ ઈનકાર કરી દઈએ." તેમને અહેસાસ થયો હતો કે તેઓ નિષ્ફળતા પચાવી શકતા નહોતા.
‘કુદરત’ થી ફરી જામ્યો જાદુ
જ્યારે રાજેશ ખન્નાનું કરિયર ડગમગવા લાગ્યું, ત્યારે તેઓ ફરી ચેતન આનંદ પાસે પહોંચ્યા. ગુરુ અને શિષ્યની આ જોડીએ સાથે મળીને ‘કુદરત’ ફિલ્મ બનાવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી એટલું જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ખૂબ પ્રશંસા થઈ. આજે પણ આ ફિલ્મને રાજેશ ખન્નાના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ કિસ્સો સાબિત કરે છે કે ગમે તેટલા મોટા સ્ટાર બનો, પણ મૂળિયાં અને સાચા માર્ગદર્શક હંમેશા કામ લાગે છે.
