બોલિવૂડમાં ધમાકો મચાવી શકી હોત 'નાગિન': પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફને મળી હતી ઓફર!
એકતા કપૂરનો સનસનાટીભર્યા ખુલાસો: 'નાગિન'ને ટીવી શો નહીં પણ 200 કરોડની બિગ બજેટ ફિલ્મ બનાવવા માંગતી હતી ક્વીન ઓફ કન્ટેન્ટ : બંને અભિનેત્રીઓની શંકાને લીધે પ્રોજેક્ટ અટક્યો

મુંબઈ: ટેલિવિઝન જગતમાં ઈતિહાસ રચનાર સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'નાગિન' વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ટીવી ક્વીન એકતા કપૂરે તાજેતરમાં જણાવ્યું કે 'નાગિન' વાસ્તવમાં ક્યારેય ટીવી શો બનવાનો નહોતો, પરંતુ તે તેને બોલિવૂડની એક ભવ્ય ફીચર ફિલ્મ તરીકે મોટા પડદે લાવવા માંગતી હતી. 'ધ ડર્ટી પિક્ચર'ની સફળતા બાદ ઉત્સાહિત એકતાએ આ પ્રોજેક્ટ માટે ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફનો સંપર્ક કર્યો હતો. એકતાની ઈચ્છા હતી કે આ ફિલ્મ દ્વારા લિંગ અવરોધો તોડીને કોઈ મહિલા સુપરસ્ટાર 200 કરોડની સોલો હીરોઈન ફિલ્મ આપે, પરંતુ તે સમયે બંને અભિનેત્રીઓ આ અનોખા કોન્સેપ્ટને લઈને થોડી મૂંઝવણમાં હતી.
આ કિસ્સાને યાદ કરતા એકતાએ રમૂજી અંદાજમાં જણાવ્યું કે જ્યારે તેણે કેટરિના કૈફને 'નાગિન'નો આઈડિયા આપ્યો, ત્યારે કેટરીનાએ આશ્ચર્યચકિત થઈને તેની સામે જોયું હતું. કેટરિનાને શંકા હતી કે શું આજના આધુનિક યુગમાં ભારતીય દર્શકો નાગિન જેવા લોકકથા પર આધારિત વિષયને સ્વીકારશે ખરા? બીજી તરફ, પ્રિયંકા ચોપરાએ આ સ્ક્રિપ્ટમાં રસ દાખવ્યો હતો અને ચર્ચાઓ પણ થઈ હતી, પરંતુ તે સમયે તે તેના હોલીવુડ પ્રોજેક્ટ્સ અને વિદેશી ટૂરને કારણે વ્યસ્ત હતી. બંને ટોચની અભિનેત્રીઓના મનમાં આ વિષયની સફળતાને લઈને શંકા હોવાથી આખરે એકતાએ ફિલ્મનો વિચાર માંડી વાળ્યો હતો.
જોકે, જ્યારે 'બાહુબલી' જેવી ફિલ્મોએ ભારતીય લોકકથાઓ અને પૌરાણિક કથાઓ પ્રત્યે દર્શકોનો નજરિયો બદલ્યો, ત્યારે એકતાએ નક્કી કર્યું કે તે કોઈ મોટા સ્ટાર વગર આ જોખમ ટેલિવિઝન પર લેશે. આખરે 'નાગિન' નાના પડદે લોન્ચ થઈ અને ઈતિહાસ સાક્ષી છે કે તે ટીવીની સૌથી સફળ શ્રેણીઓમાંની એક બની ગઈ. મૌની રોયથી લઈને તેજસ્વી પ્રકાશ સુધીની અભિનેત્રીઓને આ શોએ રાતોરાત સ્ટાર બનાવી દીધી. એકતાએ અંતમાં ઉમેર્યું કે જો ત્યારે કોઈ મોટી હીરોઈને હા પાડી હોત, તો કદાચ ભારતીય સિનેમામાં આ વિષય પર એક ભવ્ય લાર્જર-ધેન-લાઈફ ફિલ્મ જોવા મળી હોત.
