સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'ની રિલીઝ પર સંકટના વાદળો: શું ભાઈજાનના ફેન્સે હજુ વધુ રાહ જોવી પડશે?
શૂટિંગમાં વિલંબ અને સંરક્ષણ મંત્રાલયની મંજૂરીના ચક્રવ્યૂહમાં ફસાઈ ફિલ્મ; 17 એપ્રિલના બદલે હવે નવી તારીખે સિનેમાઘરોમાં ગુંજશે 'ગલવાન'નો સિંહનાદ

મુંબઈ:બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ એવેટેડ વોર ડ્રામા ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ આ ફિલ્મ 17 એપ્રિલ, 2026ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેના સસ્પેન્સના વાદળો વધુ ઘેરાયા છે. અહેવાલો મુજબ, ફિલ્મના શૂટિંગના કેટલાક ભાગો હજુ બાકી છે અને મેકર્સ મહત્વના દ્રશ્યોના રિ-શૂટિંગ પર ભાર મૂકી રહ્યા છે. ટીમ કોઈપણ સંજોગોમાં ફિલ્મની ક્વોલિટી સાથે બાંધછોડ કરવા માંગતી નથી, જેના કારણે તેના નિર્ધારિત સમય પર રિલીઝ થવા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે.
ફિલ્મની વાર્તા ભારત અને ચીન વચ્ચે થયેલી ગલવાન ખીણની વાસ્તવિક અને હિંસક અથડામણ પર આધારિત હોવાથી તેને કાયદાકીય ગૂંચવણોનો પણ સામનો કરવો પડી શકે છે. નિયમો અનુસાર, સેના કે યુદ્ધ પર બનેલી કોઈપણ ફિલ્મને રિલીઝ કરતા પહેલા સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) સમક્ષ રજૂ કરવી અનિવાર્ય છે. મંત્રાલયના સ્ક્રીનિંગ અને ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગે છે, જે ફિલ્મની પોસ્ટ-પ્રોડક્શન ગતિને ધીમી પાડી શકે છે. આ જ કારણ છે કે ઉદ્યોગના નિષ્ણાતો એપ્રિલમાં ફિલ્મ રિલીઝ થવાની શક્યતા નહિવત ગણાવી રહ્યા છે.
અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ બી. સંતોષ બાબુના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. 15 જૂન, 2020ના રોજ ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે લોખંડી ટક્કર લેનારા ભારતીય વીરોની શૌર્યગાથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. સલમાન ખાનની સાથે આ ફિલ્મમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ભાઈજાનના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે લાંબા સમય પછી સલમાન ખાન એક ગંભીર અને દેશભક્તિથી લથપથ આર્મી ઓફિસરના રોલમાં પડદા પર પરત ફરી રહ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ફિલ્મના રિ-શૂટ અને તેની રિલીઝ ડેટ લંબાવાને લઈને અવનવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. ગલવાન જેવી સંવેદનશીલ ઘટનાને પડદા પર યોગ્ય રીતે ઉતારવા માટે મેકર્સ સમય માંગી રહ્યા છે તે સારી બાબત છે, પરંતુ સલમાનના ફેન્સ માટે આ રાહ ચોક્કસપણે કસોટી સમાન બની રહેશે. આવનારા દિવસોમાં સંરક્ષણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ ફિલ્મની સાચી રિલીઝ તારીખ પરથી પડદો ઉંચકાશે.
