આમિર ખાનનો માસ્ટરસ્ટ્રોક: ‘લાહોર 1947’ માટે ‘ઈન્ડિપેન્ડન્સ વીક’ લોક કર્યું, રિલીઝ ડેટ જાહેર કરતા ભાવુક થયા મિસ્ટર પરફેક્શનિસ્ટ
સની દેઓલ અને રાજકુમાર સંતોષી સાથેની આ ફિલ્મ ધર્મેન્દ્રની સૌથી ફેવરિટ સ્ક્રિપ્ટ હતી; આમિરે કહ્યું- "કાશ, ધરમના પાજી આ ફિલ્મ જોઈ શક્યા હોત"

નવી દિલ્હી:બોલિવૂડમાં અત્યારે જેની સૌથી વધુ ચર્ચા છે તે ફિલ્મ ‘લાહોર 1947’ ને લઈને આખરે મોટા સમાચાર આવી ગયા છે. આમિર ખાન પ્રોડક્શન્સની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે સવાલનો જવાબ ખુદ આમિરે આપી દીધો છે. આમિર ખાને આ ફિલ્મ માટે ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના સપ્તાહને લોક કરી દીધું છે. ભારત-પાકિસ્તાનના ભાગલાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ પીરિયડ ડ્રામા ફિલ્મ ઓગસ્ટ ૨૦૨૬ માં મોટા પડદા પર દસ્તક દેશે.
ધર્મેન્દ્રને યાદ કરી ભાવુક થયા આમિર
રિલીઝ ડેટની જાહેરાત કરતી વખતે આમિર ખાન થોડા ભાવુક જણાયા હતા. તેમણે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને યાદ કરતા કહ્યું કે, "આ સ્ક્રિપ્ટ ધરમના પાજીની સૌથી મનપસંદ વાર્તાઓમાંની એક હતી. તેઓ ઈચ્છતા હતા કે આ ફિલ્મ જલ્દી બને. મને આજે એ વાતનો અફસોસ છે કે જ્યારે આ ફિલ્મ બનીને તૈયાર છે, ત્યારે તે જોવા માટે ધરમના પાજી આપણી વચ્ચે નથી. મને ખૂબ જ આનંદ થયો હોત જો તેઓ આ ફિલ્મ જોઈ શક્યા હોત."
સની દેઓલ અને રાજકુમાર સંતોષીની ત્રિપુટી
‘લાહોર 1947’ એટલા માટે ખાસ છે કારણ કે વર્ષો પછી રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડી ફરી સાથે કામ કરી રહી છે, અને આ વખતે તેમની સાથે નિર્માતા તરીકે આમિર ખાન જોડાયા છે. સની દેઓલનો દમદાર અભિનય અને સંતોષીનું દિગ્દર્શન ફરી એકવાર સિનેમાઘરોમાં ‘ગદર’ જેવો માહોલ સર્જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ચાહકોમાં ભારે ઉત્તેજના
આ ફિલ્મની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ‘દંગલ’ અને ‘લગાન’ જેવી ફિલ્મો આપનાર આમિર ખાન જ્યારે સની દેઓલ જેવા એક્શન સ્ટાર સાથે પીરિયડ ડ્રામા લઈને આવે છે, ત્યારે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તૂટી શકે છે. ફિલ્મનું શૂટિંગ મોટા પાયે કરવામાં આવ્યું છે અને તેમાં ૧૯૪૭ના સમયગાળાને અત્યંત સચોટ રીતે દર્શાવવા માટે ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યા હતા.
