બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્નાની હાલત ‘ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો’ જેવી થઈ : ‘ભાગમ ભાગ ૨’ માટે ‘દ્રશ્યમ ૩’ છોડી અને હવે બંને ફિલ્મો હાથમાંથી ગઈ
કેઆરકેનો દાવો - અક્ષય ખન્નાના સ્થાને મનોજ બાજપેયીની એન્ટ્રી થતા હવે અભિનેતા પાસે એક પણ પ્રોજેક્ટ નથી : પરેશ રાવલે ગોવિંદાની ખોટ વર્તાશે તેમ કહી નવા સ્ટારકાસ્ટ પર મહોર મારી

મુંબઈ : બોલિવૂડના ટેલેન્ટેડ અભિનેતા અક્ષય ખન્ના હાલમાં તેની ફિલ્મી કારકિર્દીના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો મુજબ, અક્ષય ખન્નાએ અજય દેવગણની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ ૩’ માં કામ કરવાની ના પાડી દીધી હતી. જોકે, હવે સમાચાર મળી રહ્યા છે કે જે ફિલ્મ માટે તેમણે આ મોટો પ્રોજેક્ટ છોડ્યો હતો, તે ફિલ્મ પણ તેમના હાથમાંથી સરકી ગઈ છે.
કેઆરકેનો સનસનાટીભર્યો દાવો
ફિલ્મ વિવેચક કમાલ આર. ખાન (KRK) એ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, અક્ષય ખન્નાએ ‘ભાગમ ભાગ ૨’ માં કામ કરવાના લોભમાં ‘દ્રશ્યમ ૩’ ને ઠોકર મારી હતી. પરંતુ અંતે તેમને આ ફિલ્મ પણ મળી નથી. કેઆરકેના જણાવ્યા અનુસાર, હવે અક્ષય કુમાર અને પરેશ રાવલની સાથે આ સીક્વલમાં મનોજ બાજપેયી નજર આવશે. આ ફેરફાર બાદ અક્ષય ખન્ના પાસે હાલમાં કોઈ મોટી ફિલ્મ હોવાનું જણાતું નથી.
ગોવિંદાની જગ્યાએ મનોજ બાજપેયીની એન્ટ્રી
‘ભાગમ ભાગ ૨’ માં અગાઉ ગોવિંદાની જગ્યાએ અક્ષય ખન્ના આવવાની અફવા હતી, પરંતુ હવે મનોજ બાજપેયીનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. પરેશ રાવલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ એક અલગ અને અનોખું કોમ્બિનેશન હશે.” જોકે, તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે તેમને ફિલ્મમાં ગોવિંદાની ખોટ ચોક્કસપણે વર્તાશે. ગોવિંદાએ આ ફિલ્મ કેમ છોડી તે અંગે પરેશ રાવલે અજાણતા વ્યક્ત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરશે અને નરેન્દ્ર હીરાવત તેના નિર્માતા છે.
લીડ એક્ટ્રેસ તરીકે મીનાક્ષી ચૌધરી
ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને અન્ય એક મહત્વની વિગત સામે આવી છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી મીનાક્ષી ચૌધરી ‘ભાગમ ભાગ ૨’ માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી શકે છે. ‘લકી ભાસ્કર’ અને ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મીનાક્ષી ૩ વર્ષ બાદ હિન્દી સિનેમામાં વાપસી કરી રહી છે. હાલમાં મનોજ બાજપેયી અને મીનાક્ષીની ભૂમિકા અંગે અંતિમ વાતચીત ચાલી રહી હોવાનું મનાય છે.
અક્ષય ખન્ના છેલ્લે આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ માં જોવા મળ્યા હતા, જેમાં તેમના ‘રહેમાન ડકેત’ ના પાત્રના ખૂબ વખાણ થયા હતા. પરંતુ હવે ‘દ્રશ્યમ ૩’ જેવી મોટી ફિલ્મ ગુમાવવી તેમના માટે વ્યવસાયિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
