<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 14th February 2026

પ્રેમની નવી ગાથા: 'લૈલા મજનુ' પછી હવે રૂપેરી પડદે જીવંત થશે 'હીર રાંઝા'ની અમર પ્રેમકથા

વેલેન્ટાઈન ડે પર એકતા કપૂરે કરી ફિલ્મની જાહેરાત; ઇમ્તિયાઝ અલી અને સાજિદ અલી ફરી એકસાથે, અધૂરી પ્રેમકથાઓની ફ્રેન્ચાઇઝીમાં ઉમેરાશે નવું સોનેરી પ્રકરણ

મુંબઈ:વેલેન્ટાઈન ડેના રોમેન્ટિક અવસરે મનોરંજન જગતના ક્વીન એકતા કપૂરે સિનેમા પ્રેમીઓને એક શાનદાર ભેટ આપી છે. વર્ષ ૨૦૧૮માં આવેલી અને આજે 'કલ્ટ ક્લાસિક' ગણાતી ફિલ્મ 'લૈલા મજનુ'ની સફળતા બાદ, એકતા હવે પંજાબની પવિત્ર ભૂમિની સૌથી જૂની અને કરુણ પ્રેમકથા 'હીર રાંઝા'ને મોટા પડદે લાવવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરતા એકતાએ જાહેરાત કરી કે, કેટલીક વાર્તાઓ ક્યારેય મરતી નથી, તે પેઢી દર પેઢી જીવતી રહે છે. 'હીર રાંઝા: એક અધૂરી પ્રેમકથા' સાથે આ ફ્રેન્ચાઇઝી પ્રેમનો વારસો આગળ ધપાવશે.

લૈલા મજનુમાં અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરીની જોડીએ કાશ્મીરની ખીણોમાં જે જાદુ ચલાવ્યો હતો, તેને લોકો આજે પણ ભૂલ્યા નથી. જોકે આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નહોતી, પરંતુ તેની વાર્તા અને સંગીતે લોકોના દિલ જીતી લીધા હતા. હવે તે જ મેજિક રિપીટ કરવા માટે એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી ફરી એકવાર સાથે આવ્યા છે. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી સાજિદ અલી સંભાળશે, જેમણે લૈલા મજનુનું સુંદર દિગ્દર્શન કર્યું હતું. આ જાહેરાતે સોશિયલ મીડિયા પર ઉત્તેજના વધારી દીધી છે.

એકતા કપૂરે કબૂલાત કરી છે કે તે તેના જીવનમાં ફિલ્મોના નરેશન (વાર્તા લેખન) દરમિયાન માત્ર ત્રણ જ વાર રડી છે, જેમાં લૈલા મજનુની વાર્તા એક હતી. આ જ લગાવને કારણે તે હવે હીર રાંઝા પર કામ કરી રહી છે. હીર રાંઝાની વાસ્તવિક વાર્તા ૧૫મી સદીના પંજાબની છે, જેને વારિસ શાહે પોતાની કલમથી અમર બનાવી હતી. હીર અને રાંઝાનો પ્રેમ ભલે તે સમયે અધૂરો રહ્યો હતો, પણ સદીઓ પછી પણ પ્રેમીઓ માટે તે એક મિસાલ છે. એકતાના આ નવા વર્ઝનમાં પંજાબના સોડમ અને વિરહની વેદના કેવી રીતે રજૂ થશે તે જોવું રસપ્રદ રહેશે.

ફિલ્મની કાસ્ટિંગ (કલાકારો) વિશે હજુ સુધી રહસ્ય જાળવી રાખવામાં આવ્યું છે. શું ફરી એકવાર તૃપ્તિ અને અવિનાશની જોડી જોવા મળશે કે એકતા કોઈ નવા ચહેરાઓને તક આપશે? તે અત્યારે મોટો પ્રશ્ન છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલા એનિમેટેડ વીડિયોએ ચાહકોમાં આતુરતા જગાવી છે. 'હીર રાંઝા' માત્ર એક ફિલ્મ નહીં, પણ રૂપેરી પડદે લાગણીઓનો મહાસાગર સાબિત થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

(11:07 PM IST)