<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 15th February 2026

બોલિવૂડમાં શાબ્દિક જંગ: "કાર્તિક આર્યન એક્ટર નહીં પણ નસીબનો બલિહારી છે", પ્રશાંત નારાયણનો વિસ્ફોટક પ્રહાર

'મર્ડર-૨' ફેમ પ્રશાંતે કાર્તિકને ગણાવ્યો 'ટેરિબલ એક્ટર'; કહ્યું- "લોકો તેની સાથે નહીં, પણ તેની એક્ટિંગ પર હસે છે"

મુંબઈ: બોલિવૂડમાં અત્યારે સ્ટારડમ અને ટેલેન્ટ વચ્ચેની લડાઈ ફરી એકવાર સપાટી પર આવી છે. 'ભૂલભૂલૈયા-૨' જેવી સુપરહિટ ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવનાર કાર્તિક આર્યન પર 'મર્ડર-૨' ના ખલનાયક પ્રશાંત નારાયણે આકરા પ્રહારો કર્યા છે. એક વિસ્ફોટક મુલાકાતમાં પ્રશાંતે કાર્તિકની એક્ટિંગ ક્ષમતા પર સવાલો ઉઠાવતા તેને 'ટેરિબલ એક્ટર' ગણાવ્યો છે. પ્રશાંતના મતે, કાર્તિક આજે જે સ્થાને છે તે માત્ર તેના નસીબના જોરે અને તેના માતાપિતાના આશીર્વાદથી છે, બાકી તેની પાસે અભિનયના નામે કાંઈ જ નથી.

પ્રશાંત નારાયણે વધુમાં ટીકા કરતા જણાવ્યું કે, કાર્તિક પ્રોપર સંવાદ પણ સાધી શકતો નથી અને તેની આસપાસના લોકોએ તેને જરૂર કરતા વધુ ચઢાવી દીધો છે. તેણે ઉમેર્યું કે, "કાર્તિકને 'પ્યાર કા પંચનામા' માં જોવો ગમ્યો હતો, પણ હવે લોકો તેની ફિલ્મોમાં તેની સાથે હસતા નથી, પણ તેની એક્ટિંગ જોઈને તેની પર હસે છે." પ્રશાંતના મતે ભારતીય દર્શકો ઘણીવાર એક્ટરની મજાક ઉડાવતા હોય છે અને કાર્તિક સાથે પણ એવું જ થઈ રહ્યું છે. આ નિવેદને સોશિયલ મીડિયા પર કાર્તિકના ફેન્સ અને ટીકાકારો વચ્ચે નવી ચર્ચા છેડી દીધી છે.

એકતરફ જ્યારે પ્રશાંત નારાયણ તેની આકરી ટીકા કરી રહ્યા છે, ત્યારે કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ 'નાગઝિલ્લા' ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાર્તિક 'પ્રિયમવદેશ્વર પ્યારેચંદ' નામના ઈચ્છાધારી નાગની અનોખી ભૂમિકામાં જોવા મળશે. ઓગસ્ટ ૨૦૨૬માં રિલીઝ થનારી આ ફિલ્મ શું ટીકાકારોના મોઢા બંધ કરશે કે પ્રશાંતની વાત સાચી સાબિત થશે, તે તો સમય જ બતાવશે. હાલ તો કાર્તિકના ચાહકો આ વિવાદ પર તેના જવાબની રાહ જોઈ રહ્યા છે.

(11:19 AM IST)