બોલિવૂડનું ૨૨ વર્ષ જૂનું રહસ્ય ખુલ્યું: 'મૈં હૂં ના'ની ગ્લેમરસ 'ચાંદની' માટે સુષ્મિતા સેન નહીં પણ આ અભિનેત્રી હતી ફરાહ ખાનની પહેલી પસંદ!
શિફોન સાડી અને શાહરૂખના પ્રેમમાં પાગલ 'મિસ ચાંદની'ના રોલ માટે ફરાહ ખાને કોને ઓફર કરી હતી ફિલ્મ? સમીરા રેડ્ડી સાથેના ખાસ વ્લોગમાં ડિરેક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો.

મુંબઈ:શાહરૂખ ખાનની આઈકોનિક ફિલ્મ "મૈં હૂં ના" આજે પણ જ્યારે ટીવી પર આવે છે, ત્યારે લોકો તેની ગ્લેમરસ ટીચર 'ચાંદની' એટલે કે સુષ્મિતા સેનને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે હવામાં લહેરાતી શિફોન સાડીઓ અને ક્લાસિક લુક ધરાવતી આ ભૂમિકા માટે સુષ્મિતા સેન પહેલી પસંદ નહોતી? ૨૨ વર્ષ પછી, ફિલ્મના ડિરેક્ટર ફરાહ ખાને એક મોટો ખુલાસો કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
તાજેતરમાં એક યુટ્યુબ વ્લોગ દરમિયાન ફરાહ ખાને જણાવ્યું કે, તે સુષ્મિતાને બદલે અભિનેત્રી સમીરા રેડ્ડીને 'ચાંદની' તરીકે કાસ્ટ કરવા માંગતી હતી. ફરાહે સમીરાને તેના પ્રખ્યાત મ્યુઝિક વીડિયો "આહિસ્તા" માં જોઈ હતી. તે વીડિયોમાં સમીરાનો પરંપરાગત ભારતીય દેખાવ અને તેની સાદગી જોઈને ફરાહ એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે નક્કી કરી લીધું હતું કે શાહરૂખની ઓપોઝિટમાં સમીરા જ પરફેક્ટ રહેશે.
જો ફરાહ સમીરાને લેવા માંગતી હતી, તો પછી સુષ્મિતાને આ રોલ કેવી રીતે મળ્યો? ફરાહે તેનું કારણ આપતા સમજાવ્યું કે, જ્યારે "મૈં હૂં ના" નું કાસ્ટિંગ શરૂ થયું, ત્યાં સુધીમાં સમીરા રેડ્ડીએ ૨૦૦૨માં સોહેલ ખાન સાથે 'મૈં દિલ તુઝકો દિયા' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી હતી. ફરાહ ખાન આ રોલ માટે એક સાવ 'નવો ચહેરો' (Fresh Face) ઈચ્છતી હતી. સમીરા પહેલેથી જ લોન્ચ થઈ ગઈ હોવાને કારણે સમીકરણો બદલાયા અને આ ભૂમિકા આખરે સુષ્મિતા સેનના ફાળે ગઈ.
ભલે સુષ્મિતા સેન પહેલી પસંદ નહોતી, પરંતુ આજે સુષ્મિતા વગર 'ચાંદની'ના પાત્રની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શાહરૂખ અને સુષ્મિતાની કેમિસ્ટ્રી, ખાસ કરીને "તુમસે મિલ કે દિલ કા જો હાલ" ગીતમાં, તે સમયના યુવાનોમાં ક્રેઝ બની ગઈ હતી. બીજી તરફ, સમીરા રેડ્ડીએ 'રેસ', 'મુસાફિર' અને 'દે દાના દાન' જેવી ફિલ્મોથી પોતાની અલગ ઓળખ બનાવી, જોકે તે છેલ્લા ૧૩ વર્ષથી એક્ટિંગથી દૂર છે.
